વડોદરા: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે વડોદરાના કરજણમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કરજણ નેશનલ હાઇવે 48, ધાવટ ચોકડી, પાદરા રોડ, આમોદ રોડ સહિત કરજણના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કરજણ શહેર ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસતા મેઈન બજારો સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. મધ્ય ગુજરાતના વડોદરા કરજણ પંથકમાં ભારે વરસાદ વરસતા ખેડૂતો ખુશ ખુશાલ થયા છે.
ડભોઈમાં ભારે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ લાંબા વિરામ બાદ ડભોઇમાં વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી કાળા ડીબાંગ વાદળો બાદ વરસાદ વરસ્યો હતો. શહેર સહિત તાલુકા પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ઝારોલાવાગા, ટાવર બજાર, શિનોર રોડ, થરવાશા રોડ સહિત જુદા-જુદા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં થુવાવી, કનાયડા, વેગા, ફરતિકુઈ સહિતનાં ગામોમાં વરસાદ વરસ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે.
આજે આ જિલ્લાઓમાં ભૂક્કા બોલાવશે વરસાદ
આજે 4 જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે. કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને લઈ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. બુધવારે જૂનાગઢ જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. મેંદરડામાં 12 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને લઈ અહીં જ્યાં અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા હતા.
ગુજરાતમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ
રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા 21 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 78.99 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં 78.81 ટકા, સૌરાષ્ટ્રમાં 76.36 ટકા, ઉત્તર ગુજરાતમાં 74.67 ટકા જ્યારે પૂર્વ-મધ્યમાં 71.97 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવાયું છે કે, સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 79.37 ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 55 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 66 ડેમ 70 થી 100 ટકા, 36 ડેમ 50 થી 70 ટકા, 30 ડેમ 25 ટકા થી 50 ટકા વચ્ચે અને 19 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં 70 ડેમ હાઈ એલર્ટ, 35 ડેમ એલર્ટ તથા 16 ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.