ગાંધીનગરઃ રાજ્યમાં ગઇકાલે કોરોના વિસ્ફોટ થયો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 4213 કેસ નોંધાયા હતા જ્યારે એકનું કોરોનાના કારણે મૃત્યુ થયું હતું. રાજ્યમાં વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવવા લાગ્યા છે. વડોદરા શહેરમાં ગઇકાલે આઠ વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો કોરોનાની ઝપેટમા આવતા વાલીઓની ચિંતા વધી છે. સ્કૂલો ફરીથી ઓનલાઇન કરવાની વાલીઓ માંગ કરી રહ્યા છે.
મળતી જાણકારી અનુસાર, વડોદરા શહેરમાં ગઈકાલે આઠ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હતા. એક જ દિવસમાં 8 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો કોરોનાની ઝપેટમાં આવતા વાલીઓની ચિંતા વધી હતી. વડોદરામાં 10 દિવસમાં 25 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. ગઈકાલે પોઝિટીવ આવેલા વિદ્યાર્થીઓના સંપર્કમાં આવેલા તમામ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે વર્ગો બંધ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. બીજી તરફ ગઈકાલે શહેરમાં કોરોનાના નવા 175 કેસ નોંધાયા હતા.જે પૈકી પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ 69 કેસ નોંધાયા હતા.
અમદાવાદમાં કોરોનાના કેસમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હતો. ગુરુવારે 1 હજાર 835 કેસ સાથે 10 દિવસમાં જ અમદાવાદમાં કોરોનાના કુલ 5 હજાર 634 કેસ નોંધાયા હતા. ફક્ત 18 દિવસમાં જ કોરોનાના કેસમાં 100 ગણો વધારો થયો છે. 19 ડિસેમ્બરે માત્ર 18 કેસ હતા. ગુરુવારે નોંધાયેલા કેસમાંથી 1400થી વધુ કેસ પશ્ચિમના વિસ્તારોમાં જ નોંધાયા હતા. શહેરના બોડકદેવ, આનંદનગર રોડ, થલતેજ, પાલડી, ચાંદખેડા, ન્યૂરાણીપ, ઘાટલોડિયા, નવરંગપુરા, શેલા, બોપલ, સેટેલાઈટ, વસ્ત્રાપુર, જોધપુર, સરખેજ સહિતના પશ્ચિમના વિસ્તારોમાં કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે વધ્યું. અમદાવાદમાં ૧ જાન્યુઆરીએ કોરોનાના ૫૫૯ કેસ,૨ જાન્યુઆરીએ ૩૯૬ કેસ, ૩ જાન્યુઆરીએ ૬૩૧ કેસ, ૪ જાન્યુઆરીએ ૧ હજાર ૨૯૦ કેસ , પાંચ જાન્યુઆરીએ ૧ હજાર ૬૩૭ અને ૬ જાન્યુઆરીએ ૧ હજાર ૮૩૫ કેસ નોંધાયા હતા. શહેરમાં કોરોના ટેસ્ટિંગ બુથો પર ટેસ્ટ માટે લાઈન લાગી રહી છે. તો શહેરમાં 16 વિસ્તારોમાં નવા માઈક્રો કન્ટેઈમેંટ ઝોન જાહેર કરાયા હતા. જેમાં બોડકદેવમાં સૌથી વધુ 22, બોપલમાં 16, મણિનગરમાં 20, સરખેજ, નિકોલમાં 8-8, કાંકરિયામાં 10, થલતેજમાં 10 મકાનોને માઈક્રો કન્ટેઈમેંટ ઝોનમાં મુકવામાં આવ્યા.