વડોદરાઃ ગુજરાત સરકારે બીજાં રાજ્યોમાંથી આવતા તમામ લોકોના RT-PCR ટેસ્ટ ફરજિયાત બનાવ્યા છે ત્યારે વડોદરામાં તંત્રની ઘોર બેદરકારી બહાર આવી છે. વડોદરામાં મુંબઇથી આવેલા 781 મુસાફરોના RT-PCR ટેસ્ટ કરાયા જ નથી. આ પ્રવાસીઓ RT-PCR ટેસ્ટ વિના વડોદરા આવી જતાં લોકોમાં મોટા પાયે કોરોનાનો ચેપ લાગવાનો ખતરો છે. હાલમાં મહારાષ્ટ્ર અને તેમાં પણ મુંબઈમાં કોરોના વિસ્ફોટ થયેલો છે ત્યારે RT-PCR ટેસ્ટ વિનાના પ્રવાસીઓને ઘૂસવા દઈને વડોદરાના લોકોને રામભરોસે છોડી દેવાય હોય એવી હાલત છે.


રેલવે ડી.આર.એમ દ્વારા ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારીને આ પ્રવાસીઓનાં સેમ્પલ લેવા મ્યુનિસિપલ કમિશ્નરને રજુઆત કરાઈ છે પણ કોઈ કાર્યવાહી કરાઈ નથી. રેલવે વિભાગે RT PCR ટેસ્ટ વગર આવેલા યાત્રીઓ નું લિસ્ટ તૈયાર કર્યું છે.


બીજ તરફ હજુ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેલવે સ્ટેશન પર મુસાફરોને ચેક કરવાની કોઈ વ્યવસ્થા કરાઈ નથી તેથી બેરોકટોક મુસાફરો પ્રવેશી રહ્યા છે. બહારથી આવતા પ્રવાસીઓનું ટેમ્પરેચર પણ માપવમાં નથી આવી રહ્યું અને કોર્પોરેશનની બેદરકારી શહેરીજનો માટે મુસીબત બની શકે છે.


નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના ( Coronavirus)અત્યાર સુધીના સૌથી વધુ 2410 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 9 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. રાજ્યમાં ગઈકાલે  2015 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં અત્યાર સુધી 2,92,584 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.


રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 13 હજારની નજીક પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 12996 પર પહોંચ્યો છે. જેમાંથી 155 લોકો વેન્ટિલેટર પર અને 12841 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.35 ટકા છે.


કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?


ગઈકાલે અમદાવાદ કોર્પોરેશન (AMC)માં 3,  સુરત કોર્પોરેશન(SMC)માં 4, વડોદરા કોર્પોરેશનમાં  1 અને ભાવનગરમાં 1 મોત સાથે કુલ 9  લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4528 લોકોના કોરોનાથી મોત થઈ ચુક્યા છે.


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


અમદાવાદ કોર્પોરેશનમાં 613, સુરત કોર્પોરેશનમાં 464, વડોદરા કોર્પોરેશનમાં 292, રાજકોટ  કોર્પોરેશનમાં 179, સુરત 151, વડોદરા 71, રાજકોટ 44, ભાવનગર કોર્પોરેશન-33, જામનગર કોર્પોરેશન -32, મહેસાણા-31, મહીસાગર-29, ભરુચ-28, ગાંધીનગર કોર્પોરેશન-27, પાટણ-27, ખેડા-26, મોરબી-26, સાબરકાંઠા-26,ગાંધીનગર-25, પંચમહાલ-25, અમરેલી-24, જામનગર-24, કચ્છ-24, નર્મદા-22, દાહોદ-21, આણંદ-19, વલસાડ-17, સુરેન્દ્રનગર-14, અમદાવાદ-13, બનાસકાંઠા-12 અને ભાવનગરમાં 10 કેસ નોંધાયા હતા.