વડોદરાઃ પાદરામાં ગણેશ મહોત્સવમાં શ્રીજી પ્રતિમાના આગમન સમયે વીજ કરંટ લાગતા ગોવિંદપુરા યુવક મંડળના યુવાનનું મોત થયું છે. શ્રીજીના આગમન સમયે નીકળેલા વરઘોડાના લાઇટિંગ માટેના ટેમ્પા પર લગાડેલ ફ્લગેની દાંડી હાઇટેનશનના વીજ તારને અડી જતા આ ઘટના બની હતી.

બનાવના પગલે નીકળેલા વરઘોડામાં ભારે ઉત્તેજના વ્યાપી હતી. ફ્લેગની દાંડી હાઇટેશન લાઈને અડી જતા ટેમ્પમાં વીજ કરંટ લાગતા યુવકને પ્રથમ પાદરા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો ત્યારબાદ વધુ સારવાર માટે પાદરા ડભાસા ગામની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં યુવાનનું મોત થયું હતું.



બનાવના પગલે હોસ્પિટલમાં ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પાદરા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. મરનાર યુવાન રાહુલસિંહ પ્રવિણસિંહ પરમાર (ઉ.વ.24) ગોવિંદપુરા, પાદરાનો વતની છે. ઘટનાને પગલે વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે. નોંધનીય છે કે, બે દિવસ પહેલા આવી જ ઘટના અંકલેશ્વરમાં બની હતી. જ્યાં ગણપતિની પ્રતિમા લાવતી વખતે વીજ કરંટ લાગતા બે યુવકોના મોત થયા હતા.