Metal Lamp for Ram Temple: આયોધ્યામાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશવાસીઓમાં ઉત્સાહ છે ત્યારે વડોદરાvex અરવિંદ પટેલ નામના ખેડૂતે રામ મંદિરને ભેટ આપવા સવા નવ ફૂટ ઊંચો વિશાળ દીવો બનાવ્યો છે.


22મી જાન્યુઆરીનાં શુભ દિવસે અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં રામલલા બિરાજમાન થવાના છે. વિશ્વભરનાં કરોડો સનાતનીઓ માટે આ દિવસ સૌથી મહત્વનો છે. ભગવાન શ્રી રામનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રત્યક્ષ કે, પરોક્ષ રીતે સહભાગી થવા માટે અનેક લોકો આગળ આવી રહ્યા છે.


વડોદરાની વાત કરીએ તો શહેરનાં એક રામભક્તે અયોધ્યા મોકલવા માટે 108 ફૂટ લાંબી અગરબત્તી બનાવી છે. આની માહિતી મળતા ભાયલીના ફક્ત 8 ધોરણ ભણેલા અને ખેડૂત અરવિંદભાઈ પટેલને પ્રેરણા મળી હતી કે, જો વડોદરામાંથી 108 ફૂટ લાંબી અગરબત્તી જતી હોય તો એની સાથે એક દીવો પણ અયોધ્યા મોકલવો જોઈએ. પોતાના આ વિચારને વાસ્તવિક સ્વરૂપ આપવા માટે તેમણે વડોદરા જીઆઈડીસીનાં એક કારખાનામાં વિશાળ દીવો બનાવવાની કામગીરી શરૂ કરાવી હતી.


જીઆઈડીસીનાં એક ફેબ્રિકેટરે સૌથી પહેલા તો કાગળ પર દીવાની ડિઝાઈન બનાવી હતી અને ત્યાર પછી એના મટિરિયલનું મોટું લિસ્ટ અરવિંદભાઈને આપ્યુ હતુ. લગભગ ત્રણ ચાર દિવસની દોડધામ બાદ અરવિંદભાઈએ લિસ્ટ પ્રમાણેનો પૂરેપૂરો સામાન ફેક્ટરીમાં આપી દીધો હતો.


આખરે, લગભગ એકાદ સપ્તાહની મહેનત બાદ વિશાળ દીપક આકાર પામ્યો છે. અયોધ્યા મોકલવા માટે બનાવવામાં આવેલા આ ખાસ દીવામાં 1100 કિલો મેટલ વપરાયું છે. એનો ઘેરાવો આઠ ફૂટનો છે. તેના પાયાનો ઘેરાવો લગભગ પાંચ ફૂટનો છે. એની ઉંચાઈ સાડા નવ ફૂટની છે. એક જ વખતમાં આ દીવામાં લગભગ 851 કિલો ઘી સમાઈ શકે છે. દીવાને પ્રગટાવવા માટે 15 કિલોગ્રામની મોટી દીવેટ પ્રગટાવવી પડે છે. દીવાને પ્રગટાવવા માટે 4 ફૂટની મશાલ પણ બનાવવામાં આવી છે અને દીવેટ સુધી પહોંચવા માટે લગભગ 8 ફૂટની અલાયદી સીડી પણ બનાવાઈ છે અને આ દીવો પ્રજ્વલિત થાય તો એક વર્ષ સુધી પ્રજ્વલિત રહી શકે છે.


રામ મંદિર માટે બનાવવામાં આવેલા દીવાને અયોધ્યા મોકલવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. દીવાને અયોધ્યાના રામ મંદિરમાં મુકવા માટેની જરૂરી પરમિશનો લેવાઈ રહી છે. જોકે હાલ શહેરમાં આ વિશાળ દીવો આકર્ષણ નું કેન્દ્ર બન્યો છે.