વડોદરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પાવાગઢમાં મા મહાકાળીના દર્શન કરશે. માતાજીના નવા મંદિર પર ધ્વજારોહણ અને વિકાસ કામોનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરાશે.જેને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. સુરક્ષાના કારણોસર આજે બપોરે 3 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રહેશે. હાલ, પાવાગઢ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. વડાપ્રધાન મોદીની વિરાસત વનની મુલાકાતનો કાર્યક્રમ રદ્દ કરાયો છે. એટલે કે હવે માત્ર પાવાગઢ મંદિરે જ ધ્વજારોહણ કાર્યક્રમમાં હાજરી આપશે.
ત્યારબાદ વડાપ્રધાન મોદી બપોરે સાડા 12 વાગ્યે વડોદરા જવા રવાના થશે. જ્યાં લેપ્રસી મેદાનમાં પીએમ મોદી જંગી જાહેરસભાને સંબોધશે. પીએમ મોદી વડોદરા જિલ્લાને 21 હજાર કરોડના વિકાસ કામોની ભેટ આપશે. લોકોનું અભિવાદન ઝીલવા પીએમ મોદી ખુલી જીપમાં સવાર થઇ મિનિ રોડ શૉ યોજશે. જેને લઇને ખાસ તૈયારીઓ કરાઇ છે. એવો દાવો કરાઇ રહ્યો છે કે, જાહેરસભામાં 5 લાખ લોકો હાજર રહેશે. જેમની બેઠક વ્યવસ્થા માટે જર્મન ટેક્નોલોજીથી ખાસ 7 ડોમ તૈયાર છે. મેદાન બહાર મોદીનું 71 ફૂટ ઊંચુ પોસ્ટર લગાવાયું છે. પીએમ મોદીના હસ્તે આવાસોના લોકાર્પણ ઉપરાંત સિંધરોડ ખાતેના 50 MLD પાણીના પ્રોજેક્ટનું લોકાર્પણ કરાશે. જે સમયે પીએમ મોદી પાણીના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે, ત્યારે માંજલપુર વિસ્તારમાં 7 સ્થળે લોકો ફટાકડા ફોડી ઉજવણી કરશે.
18 જૂને હીરાબાના 100 વર્ષ પુરા થશે. પ્રધાનમંત્રી મોદી તેમના માતા હીરાબાને મળવા માટે જશે. જેને લઈને ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદી 18મીએ સવારે 8 વાગ્યે હેલિપેડ ગાંધીનગરથી પાવાગઢ જવા રવાના થશે. પાવાગઢમાં મહાકાળીનાં મંદિરે ધ્વજારોહણ કરશે. બાદમાં વડોદરા ખાતે જનસભાને સંબોધન કરશે. આ ઉપરાંત 18 તારીખે વડોદરાથી પ્રધાનમંત્રી મોદી સુરત અને ઉધના રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત કરશે. સુરત રેલવે સ્ટેશન 1100 કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ થશે. 1100 કરોડમાંથી રેલવે 800 કરોડ જ્યારે ગુજરાત સરકાર 300 કરોડ આપશે. જ્યારે ઉધના 212 કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ થશે. સુરત ઉધના સ્ટેશન માટે ટેન્ડરની પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે.