વડોદરાના સયાજીગંજમાં આવેલા ભાજપ કાર્યલય ખાતે વડોદરા લોકસભા બેઠક માટે ઉમેદવાદ નક્કી કરવા ભાજપના નિરીક્ષકો પંકજ દેસાઈ, જયનારાયણ વ્યાસ અને દર્શનાબેન વાઘેલા આવી પહોંચ્યા હતાં. જ્યાં લોકસભા ચૂંટણી લડવા માંગતા દાવેદારોની સેન્સ લેવામાં આવી હતી. નિરીક્ષકોએ ભાજપના કાર્યકરો, હોદ્દેદારો અને દાવેદારોને સાંભળ્યા હતાં.
આ સાથે જ વડોદરા બેઠક પર કોણે ચૂંટણી લડાવી જોઈએ તે મંતવ્યો મેળવ્યા હતાં. નિરીક્ષકો સમક્ષ વડોદરાના હાલના સાંસદ રંજનબેન ભટ્ટે ફરીથી ચૂંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરી છે, તેમજ પોતાની દાવેદારી નોંધાવી છે જ્યારે વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ પોતાની દાવેદારી નોંધાવી છે.
આજે રાજ્યભર સહિત વડોદરામાં નિરીક્ષકો જયનારાયણ વ્યાસ, પંકજ દેસાઈ અને દર્શનાબેન વાઘેલા સેન્સ લઈ રહ્યાં છે. સેન્સ લેતાં પહેલાં નિરીક્ષક પંકજ દેસાઇએ નિવેદન આપ્યું હતું કે, નરેન્દ્ર મોદી વડોદરાથી ચૂંટણી લડે તો નવાઇ નહીં.
નિરીક્ષક તરીકે આવેલા પંકજ દેસાઈએ વડોદરા બેઠક પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી વખત ચૂંટણી લડી શકે છે તેવું નિવેદન આપ્યું હતું. જેના કારણે નરેન્દ્ર મોદીની વડોદરાથી ફરી વખત ચૂંટણી લડવાની શક્યતાઓ પ્રબળ બની છે. પંકજ દેસાઈએ તો એટલું પણ કીધું કે, નરેન્દ્ર મોદી વડોદરાથી દેશમાં સૌથી વધુ મતોથી વિજય બનશે તો અન્ય નિરીક્ષક જયનારાયણ વ્યાસે પંકજ દેસાઈની વાતનું ખંડન કરી કેન્દ્રીય પાર્લામેન્ટ્રી વડોદરા બેઠક પર ઉમેદવાર નક્કી કરશે તેમ કહ્યું હતું.
નરેન્દ્ર મોદી વડોદરાથી 2014માં ચૂંટણી લડ્યા હતા. પંકજ દેસાઈએ નરેન્દ્ર મોદી 2019માં ફરી વખત ચૂંટણી લડશે તેવા સંકેતો આપ્યા છે. ત્યારે ચોક્કસથી ભાજપ કાર્યકરોમાં ઉત્સાહ વધ્યો છે. નરેન્દ્ર મોદી ફરી વખત વડોદરાથી ચૂંટણી લડશે તો ચોક્કસથી ગત ટર્મ કરતાં વધુ મતોથી વિજયી બનશે તેમાં કોઈ બેમત નથી.