કમોસમી વરસાદની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. વડોદરા શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. શહેરના નીઝામપુરા, છાણી, સમા, ફતેહગંજ સહિત અન્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે.   સાવલી પંથકમાં વહેલી સવારથી જ વાતવરણમાં પલટો આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં ઝમરમ વરસાદ પડી રહ્યો છે તો આ તરફ ડભોઈ વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે.  માવઠાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે કારણ કે જો વધુ વરસાદ પડશે તો તુવેરના પાકને મોટું નુકસાન થશે.


વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. મકાઈ, તુવેરના પાકનાને લઈ ખેડૂતોમાં નુકસાનીની ભીતિ ઊભી થઈ છે. સવારથી ઝરમર વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. દાદરાનગર હવેલીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પ્રદેશના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.


નોંધનીય છે કે રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવશે. કચ્છ, ભાવનગર, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ,મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં માવઠું પડશે. આગામી 24 કલાક તો લઘુત્તમ તાપમાનમાં કોઈ ફરક નહીં આવે. પરંતુ 23 જાન્યુઆરીથી કડકડતી ઠંડી પડશે. 23 થી 26 જાન્યુઆરી દરમિયાન તાપમાનનો પારો 4 થી 6 ડિગ્રી સુધી ઘટી જશે. તો 25 થી 30 કિમી ગતિએ સુસવાટાભર્યા પવન ફૂંકાશે. આજે ડીસા અને ગાંધીનગર રહ્યાં સૌથી ઠંડુંગાર રહ્યું છે.  આ બંને શહેરોમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું. તો અમદાવાદમાં 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.



હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ પડશે. બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 25થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, દ્વારકા, જામનગર, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે. 22 જાન્યુઆરીએ અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, દાહોદ, મહિસાગર, પંચમહાલ, વડોદરા, ભરુચ અને સુરત જિલ્લામાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.