બ્રિટનમાં હાહાકાર મચાવનાર કોરોનાના નવા વાયરસની અમદાવાદ બાદ હવે વડોદરામાં પણ એન્ટ્રી થઈ છે. વડોદરામાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનનો પ્રથમ કેસ નોંધાયો છે. બ્રિટનથી પરત ફરેલા 27 વર્ષના યુવકને કોરોનાનો નવો સ્ટ્રેન થયો હોવાનું સામે આવ્યું છે.


નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજીમાંથી રિપોર્ટ પોઝિટિવ હોવાનું કહેવામાં આવ્યું છે. હાલમાં સંક્રમિત યુવક ગોત્રી હોસ્પિટલમાં વિશેષ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે. બીજી બાજુ કોરોનાનો નવો સ્ટ્રેન મળતાં યુવકના સંપર્કમાં આવનાર લોકોની તપાસ શરૂ કરવામાં આવી છે.

નોંધનીય છે કે, આ પહેલા કોરોનાના નવા વાયરસની અમદાવાદ શહેરમાં એન્ટ્રી થઈ હતી. બ્રિટનથી આવેલા ચાર દર્દીઓમાં નવો વાયરસ મળી આવતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું. નવા વાયરસની એન્ટ્રીને પગલે અમદાવાદ માટે નવા વર્ષમાં આફતના સમાચાર સામે આવ્યા છે.

પુના ઇન્સ્ટિટ્યૂટમાં કરાવવામાં આવેલા દર્દીઓના રિપોર્ટમાં ચાર દર્દીઓમાં યુકેના નવા કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતા. ગત 23મી ડિસેમ્બરે યુકેથી આવેલી ફલાઈટમાં તમામ દર્દીઓના કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. પુનાની લેબોરેટરી દ્વારા ગુજરાત સરકારને જાણ કરવામાં આવી હતી. ચારેય દર્દીઓ હાલ SVPમાં સારવાર હેઠળ છે.

10 દિવસ પછી કોરોનાના નવા સ્ટ્રેનના રિપોર્ટ આવ્યા છે. 4 દર્દીઓમાં કોરોનાનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. જોકે, હજુ 6 રિપોર્ટ આવવાના બાકી છે. જે રિપોર્ટ સોમવાર સુધીમાં આવે તેવી શક્યતા છે. ત્યારે નવા આવેલા 4 દર્દીઓ માટે એસવીપીમાં નવો વોર્ડ ઉભો કરાયો છે. જોકે, આ દર્દીઓની કેવી રીતે સારવાર કરવી તે તબીબો માટે પડકાર છે.