વડોદરા: પાણીપુરીનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. પાણીપુરી લોકોના સૌથી ફેવરીટ નાસ્તામાનો એક છે. જો કે, પાણીપુરી જેટલી ચટાકેદાર હોય છે તેના સામે તેની ગુણવત્તાને લઈને પણ ઘણીવાર સવાલો ઉઠ્યા છે. આજે અમે તમને આવા જ કેટલા દ્રશ્યો બતાવીશું જેને જોયા બાદ તમે પાણીપુરી ખાતા પહેલા ચોક્કસથી વિચારશો. વડોદરા શહેરના છાણી વિસ્તારમાં પાણીપુરીનો ધંધો કરવાવાળા સડેલા બટાકાનો ઉપયોગ કરી લોકોના સ્વસ્થ સાથે ચેડાં કરી રહ્યા છે.


બટાકા બાફવાના તપેલામાં પ્લાસ્ટિકની કોથળીઓ પણ બફાઈ રહી છે, જેના રસાયણો બટાકા અને ચણામાં જતા પાણીપુરી ખાનારાના સ્વાસ્થ્ય પર સીધી અસર પડી શકે છે. પ્લાસ્ટિકની થેલીઓમાં ચણા ભરી બટાકા સાથે બાફવા મૂકે છે જે હાનિકારક સાબિત થઈ શકે છે. પ્લાસ્ટિક ઉકળતા તેના છુટા પડેલા રસાયણો બટાકા અને ચણામાં જતા જ્યારે પાણીપુરી ખાનારના શરીરમાં જતા જ શરીરને નુકશાન પહોંચાડી શકે છે.


નાના બાળકો અને સિનિયર સીટીઝન આવી પાણી પુરી ખાતા તેમનું સ્વાસ્થ્ય બગડી શકે છે. પાણીપુરીનો ધંધો કરવાવાળા એક સાથે 20 કિલોની બટાકાની ગુણી ઉકળતા તપેલામાં નાખી બટાકા બાફે છે. જેમાં સડેલા બટાકા પણ બફાઈ રહ્યા છે. આ મામલે કોર્પોરેશન આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરવી જરૂરી બને છે. ચોમાસાની સિઝન જેમાં કેટલીક વાર દૂષિત પાણી પણ ઉપયોગમાં આવી જતું હોય છે. કેમકે પાણીપુરીવાળા જે વિસ્તારમાં રહે છે ત્યાનું જ પાણી વાપરે છે એ લોકો કોઈ મિનરલ વોટર તો વાપરતા જ નથી, શહેરના અનેક વિસ્તારમાં દૂષિત પાણીની બુમો આવે છે. જોકે લોકોએ પણ ચોમાસામાં જ્યાં મિનરલ પાણી વાપરતા હોય ત્યાં જ ખાણીપીણીની વસ્તુઓ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ.


 



3 સ્ટાર અને 5 સ્ટાર હોટલમાં ટેસ્ટી ખાવાના શોખીન માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કારેલીબાગથી પસાર થતી વિશ્વામિત્રી નદીના પટમાં રહેતા લોકો જે રીતે લસણની ચટણી બનાવી રહ્યા છે તો જોઈને તમે હોટલમાં જમવાનું ટાળી દેશો. સામે આવેલા દ્રશ્યોમાં એક મહિલા 20 કિલો લસણ મોટા વાસણમાં પગથી પીસી રહી છે . મહિલાના કહેવા મુજબ મોટી મોટી હોટલમાં આ ચટણી સપ્લાય થાય છે. ક્યારેક એમ પણ કહે છે કે દવા બનાવવા માટે પણ લસણની ચટણી મોકલીએ છીએ. આરોગ્ય માટે હાનિકારક બની શકે તે રીતે આ લસણ પીસાઈ રહ્યું છે.