મહિસાગરઃ સંતરામપુર બાયપાસ રોડ પરથી અમદાવાદના બે વેપારી આશરે ૨૦૦ કિલો ઉપરાંત ચાંદીની પાટ સાથે ઝડપાયા છે. ગાડીનો પીછો કરીને ચાંદીના બંને વેપારીઓને સંતરામપુર પોલીસે ઝડપી પાડ્યા છે. બંને વેપારી પરાગ પ્રવીણભાઈ શાહ અને અમરીશ શાંતિલાલ પટેલ (બંને રહેવાસી અમદાવાદ માણેકચોક) સોના-ચાંદીના વેપારીઓને માલ વેચવા માટે ગયા હતા. દરમિયાન ઝાલોદ-દાહોદ રોડ પર પકડાયા હતા. સંતરામપુર પોલીસે બંને આરોપી તેમજ ચાંદીનો જથ્થો ઝડપી ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ગઈ કાલે બપોરે સંતરામપુર પોલીસે બાયપાસ મીરા હોસ્પિટલ પાસે નાકાબંધીમાં હતી. દરમિયાન દાહોદ-ઝાલોદ તરફથી આવતી કારના ચાલકે પોલીસને જોઈ પરત કાર પાછી વાળી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસને શંકા જતાં કારનો પીછો કરી ઝડપી પાડી હતી. કાર ઊભી રખાવી બંનેની પૂછપરછ કરતાં તેમણે યોગ્ય જવાબ આપ્યા નહોતા. આ પછી કારમાં તપાસ કરતાં સીટની નીચેથી અને બેગોમાંથી એક કરોડની કિંમતની 200 કિલો ચાંદીનો જથ્થો મળી આવ્યો હતો.