VADODARA : વડોદરાની હોટેલમાંથી કુખ્યાત શાર્પ શૂટર અનિલ ઉર્ફે એન્થોની ફરાર થવાના મામલે પોલીસે પી.એસ.આઈ જે.પી ડામોર સહિત આઠ સામે ગુનો નોંધ્યો છે. આરોપી ગંભીર પ્રકારનો ગુનેગાર હોવા છતા PSI એ ગંભીર બેદરકારી દાખવી હતી. PSIએ આરોપીને પ્રાઇવેટ કારમાં હોટેલમાં લઈ જઈને દીકરીને મળવાની ઈચ્છા પૂરી કરી હતી.
આ સમગ્ર મામલે હોટેલ મેનેજર, રૂમ બોય, એન્થોનીની પત્ની અને બહેનની ગુનામાં મદદગારી સામે આવી છે. પોલીસ અન્ય રૂમમાં આરામ ફરમાવતા હતા એ દરમિયાન એન્થોની પરિવાર સાથે ફરાર થયાનો ખુલાસો થયો છે. જે પ્રાઇવેટ કારમાં હોટેલ પર ગયા હતા તે કાર એન્થોની એ મંગાવી હતી. આ સમગ્ર મામલે સયાજીગંજ પોલીસે રૂમ બોય, હોટેલ મેનેજર તેમજ PSI જે પી ડામોરની અટકાયત કરી છે.
પોલીસ જાપ્તામાંથી ફરાર થયો હતો એન્થોની
ગઈકાલે 6 મે ના રોજ પોલીસનાં જાપ્તામાંથી કુખ્યાત શાર્પ શૂટર એન્થોની ફરાર થઇ ગયો હતો. વડોદરાનાં સયાજીગંજ વિસ્તારની હોટલમાંથી એન્થોની ફરાર થઇ ગયો હતો. છોટાઉદેપુર પોલીસ જાપ્તાનો સ્ટાફ ફરિયાદ કરવા રાવપુરા પોલીસ મથક પહોંચ્યો હતો. તો એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે હોટલને બદલે હોસ્પિટલમાંથી ભાગ્યો હોવાનું દેખાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. હોટલમાં રોકાયા બાદ બે મહિલાઓ એન્થોનીને મળવા આવી હતી. બે પૈકી એક મહિલા એન્થોનીની બહેન હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
આરોપીએ બનાવ્યું પોતાનું જ ડેથ સર્ટિફિકેટ
ડ્રગ્સના કેસમાં દોષી ગુનેગારે જેલમાંથી પેરોલ પર છૂંટી ફરી જેલમાં ન જવું પડે એ માટે ગજબનો કીમિયો અપનાવ્યો છે. પણ આ ભેજાબાજ વડોદરા સાયબર ક્રાઇમના હાથે ઝડપાઇ ગયો છે. વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનામાં નોંધાયેલી છેતરપિંડીની એક ફરિયાદમાં શંકાસ્પદ શખ્સની તપાસ કરતા તેની પાસે મોબાઇલ મળી આવ્યો હતો. જેમાં અભિષેક આઝાદ જૈન નામના વ્યક્તિનું ડેથ સર્ટિફિકેટ હતું. આ સર્ટિફિકેટ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ સર્ટિફિકેટ નકલી છે. જેથી અભિષેક જૈન અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તે મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક ડ્રગ્સના કેસમાં દોષિત હતો અને તેને મધ્યપ્રદેશની કોર્ટે 12 વર્ષની જેલની સજા ફટકારી હતી.