Vadodara : વડોદરાની રહેવાસી ક્ષમા બિંદુએ બુધવારે (8 જૂન) પોતાના લગ્ન કર્યા છે. જો કે તેમના લગ્નની તારીખ 11 જૂન નક્કી કરવામાં આવી હતી, પરંતુ કોઈપણ પ્રકારના વિવાદથી બચવા માટે ક્ષમાએ ત્રણ દિવસ પહેલા જ લગ્ન કરી લીધા હતા. ક્ષમા બિંદુ કહે છે, "મને કોઈ ધમકીઓ મળી નથી પણ હું ઈચ્છતી હતી કે લગ્ન શાંતિપૂર્ણ થાય, તેથી મેં તે પહેલા કર્યું. તે અન્ય હિન્દુ લગ્નની જેમ જ હતું. મેં સિંદૂર લગાવ્યુંઅને મંગળસૂત્ર અને માળા પહેરી. મેં ફેરા પણ ફર્યા. " ક્ષમાએ જણાવ્યું કે લગ્નમાં યુટ્યુબથી બ્લૂટૂથ દ્વારા લગ્નના મંત્રો વગાડવામાં આવ્યા હતા.
ક્ષમાએ ગુરુવારે ઇન્સ્ટાગ્રામ પર દુલ્હન તરીકેનો પોતાનો ફોટો શેર કરીને લગ્નની જાહેરાત કરી હતી. તેણે ફોટોના કેપ્શનમાં લખ્યું, "હું મારી જાત સાથે પ્રેમમાં પડી ગઈ, ગઈકાલે હું મારી પોતાની દુલ્હન બની ગઈ..."
ક્ષમાએ કહ્યું, "જો કોઈ મને પસંદ કરે તો પણ હું કોઈની સાથે લગ્ન નહીં કરું કારણ કે હું કોઈની પત્ની બનવા માંગતી નથી." તેણે કહ્યું કે જાતીય જીવન વિશે બોલવાનો કોઈને અધિકાર નથી.
સ્વલગ્નનું પ્રથમ ઉદાહરણ
તમને જણાવી દઈએ કે બિંદુના લગ્નને ભારતમાં સ્વ-લગ્ન અથવા 'સોલોગેમી'નું પ્રથમ ઉદાહરણ માનવામાં આવે છે. બિંદુએ તેના નિર્ણયને સ્વ-પ્રેમનું કાર્ય ગણાવ્યું. થોડા દિવસો પહેલા ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા તેણે કહ્યું હતું કે, "હું ક્યારેય લગ્ન કરવા માંગતી ન હતી. પરંતુ હું દુલ્હન બનવા માંગતી હતી. તેથી મેં મારી જાતે જ લગ્ન કરવાનું નક્કી કર્યું." તેણીએ કહ્યું, "સ્વ-લગ્ન એ પોતાની જાત પ્રત્યેની પ્રતિબદ્ધતા અને બિનશરતી પ્રેમ છે. લોકો જેને પ્રેમ કરે છે તેની સાથે લગ્ન કરે છે. હું મારી જાતને પ્રેમ કરું છું અને તેથી જ આ લગ્ન થઈ રહ્યા છે."