વડોદરાઃ સીટી બસની અડફેટે કોલેજીયન યુવતીનું મોત નીપજ્યું છે. સીટી બસના ડ્રાયવરે બેફામ બસ ચલાવી યુવતીને કચડી નાખી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સુરતની યુવતી એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી. સીટી બસના ડ્રાઇવર જયેશ પરમારે ગફલત ભર્યુ ડ્રાઈવિંગ કરી યુવતીને કચડી નાખી. સીટી બસ સ્ટેશનમાં પ્રવેશતા જ ઘટના બની હતી. ગઈ કાલે મોડી સાંજે ધટના બની હતી. યુવતી મોબાઇલમાં વાત કરવામાં વ્યસ્ત હતી, ત્યારે તેનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું.
આ અકસ્માતમાં સુરતના અમરોની 24 વર્ષીય શિવાની રણજિતસિંહ સોલંકીનું મોત થયું છે. શિવાની એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતી હતી અને એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં માસ્ટર ઓફ કેમિસ્ટ્રીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી. મંગળવારે બપોરે શિવાની બસ ડેપોમાંથી બહાર નીકળી રહી હતી એ સમયે પાછળથી આવેલી બસ એના પર ચડી ગઈ હતી, જેમાં શિવાનીને ગંભીર રીતે ઇજા થઈ હતી. સયાજી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
અકસ્માત પછી ડ્રાઈવર પોતાની બસ સાઈટ પર મૂકીને સલામત સ્થળે જતો રહ્યો હતો. આ બનાવ અંગે સયાજીગંજ પોલીસે ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ શિવાનીના મોતના સમાચાર તેના સુરત સ્થિત પરિવારજનોને થતાં માતા-પિતા મોડી સાંજે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા. શિવાનીના પિતા સુરતમાં હીરા ઘસવાની કંપનીમાં કામ કરે છે અને દીકરી શિવાનીને અભ્યાસ માટે વડોદરા મોકલી હતી. શિવાની ચાર દિવસ પહેલાં સુરત પરિવારને મળવા માટે ગઇ હતી તેમજ મંગળવારે બપોરે ટ્રેનમાં વડોદરા આવવા હતી. શિવાની બે ભાઇ વચ્ચે એકની એક બહેન હતી. શિવાનીના પિતાએ સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે સિટી બસના ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.