મોડી રાત્રે શહીદ જવાન સંજય સાધુનો પાર્થિવદેહ વડોદરા એરપોર્ટ લાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં વડોદરાના લોકો સંજય સાધુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે એરપોર્ટ પહોંચી ગયા હતાં. એરપોર્ટ પર તેમની શહાદતને બિરદાવવામાં આવી અને શહીદ તુમ અમર રહોના નારાથી એરપોર્ટ ગુંજી ઉઠ્યું હતું. બીએસએફ દ્વારા શહીદવીરને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
એરપોર્ટ ખાતે શહીદના પાર્થિવદેહને રાજ્ય સરકાર વતી રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલે શ્રદ્ધાંજિલ અર્પી હતી. તેમજ સાંસદ, મેયર, પાલિકાના વિરોધપક્ષના નેતા, શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત વિવિધ રાજકીય આગેવાનો, કલેક્ટર અને પોલીસ કમિશનરે શ્રદ્ધાંજલિ આપી હતી. ભારે સન્માન સાથે શહીદના પાર્થિવદેહને ફૂલોથી સજાવેલા સૈન્યના વાહનમાં સયાજી હોસ્પિટલ ખાસે લઇ જવાયો હતો.