સયાજીગંજના પીઆઇ એસ.જી.સોલંકીએ આ કેસની વિગતો આપતાં કહ્યું છે કે, દર્શન હિંમતભાઇ સોની (હાલ રહે.ખંડેરાવ સરસ્વતી હોસ્ટેલ,રાજમહેલ રોડ મૂળ રહે.શિવમ્ કોમ્પ્લેક્સ, જામખંભાળિયા સ્ટેશન રોડ,દ્વારકા) શહેરની સયાજી સિવિલ હોસ્પિટલમાં જુનિયર ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવે છે. રાજકોટથી ટ્રાન્સફર થઇ આવેલા અને હાલમાં સેન્ટ્રલ જેલમાં ફરજ પર મૂકાયેલા દર્શને ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલ્યા બાદ યુવતી સાથે પરિચય કેળવ્યો હતો. યુવતીએ ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ દર્શને તેનો મોબાઇલ નંબર મેળવ્યો હતો અને તેના ઘેર પણ પહોંચી ગયો હતો. દર્શન યુવતીના એકતરફી પ્રેમમાં પડ્યો હતો અને યુવતીને લગ્ન માટે વારંવાર ઓફર કરી હતી. યુવતીએ તેની ઓફર સ્વીકારી ન હતી.
દરમિયાનમાં યુવતીના તેના બોસ સાથે સબંધ હોવાની જાણ થતાં દર્શને દર્શને યુવતીને કહ્યું હતું કે,તારો બોસ મેરિડ છે અને તે તને સુખી નહીં કરી શકે. તારે લાંબુ વિચારી મારી સાથે લગ્ન કરવા જોઇએ. યુવતી તૈયાર ના થતાં દર્શને યુવતીને તેના બોસ સાથેના સબંધોના નામે બ્લેકમેલ કરવા માંડી હતી. તેણે બોસની પત્નીને સબંધોની જાણ કરવાની ધમકી પણ આપી હતી.
એક સપ્તાહ પહેલાં યુવતીની બર્થ ડે હોવાથી દર્શને યુવતીને બર્થ ડે સેલિબ્રેશનના નામે સરપ્રાઇઝ આપવાનું કહી ન્યુ સયાજી હોટલમાં લઈ ગયો હતો. હોટલમાં કેક કાપ્યા બાદ તે ધક્કો મારીને યુવતીને રૂમમાં લઇ ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો. આખી રાત રૂમમાં પૂરીને બળાત્કાર કર્યા બાદ સવારે દર્શને તેને કોઇને જાણ કરીશ તો મારી નાંખવાની ધમકી આપી લાફો મારીને કાઢી મૂકી હતી. યુવતીએ તેની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તેની અટકાયત કરી કાર્યવાહી કરી છે.