Gujarat Assembly Election 2022: વિધાનસભા ચૂંટણી પહેલા પાદરામાં ભાજપને વધુ એક ઝટકો લાગ્યો છે. પાદરા વિધાનસભાના અપક્ષના ઉમેદવારના સમર્થનમાં ભાજપ સંગઠનના હોદેદારોએ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામાં આપી દીધા છે. આજે સાંજે 7 કલાકે ભાજપના પુરુષોત્તમ રૂપાલાની જાહેરસભા પહેલા પાદરા ભાજપમાં મોટો ભડકો થતા રાજકારણ ગરમાયું છે. વડોદરા જિલ્લા ભાજપના મહિલા મોરચાના પ્રમુખ મનીષાબેન ભાવસારે પણ રાજીનામું આપી દીધું છે. 


પાદરા તાલુકા ભાજપના મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન પુરાની તથા મહામંત્રી તુપ્તિબેન પટેલ સહિતના હોદેદારો, પાદરા તાલુકા ભાજપના સંગઠન મહામંત્રી મેહુલ અમીન તથા મંત્રી સંદીપ પટેલ તથા મંત્રી કિરણ મહંત મંત્રી રાકેશ પટેલ અને કોશાધ્યક્ષ મનોજ પટેલ તાલુકા ભાજપના હોદેદારો, પાદરા શહેર બક્ષીપંચ મોરચા પ્રમુખ, મહામંત્રી અને ઉપપ્રમુખ સહિત હોદેદારો તથા પાદરા નગર યુવા મોરચાના ઉપપ્રમુખ, મંત્રી અને કોશાધ્યક્ષે પણ રાજીનામાં આપી દેતા ખળભળાટ મચી ગયો છે. આ ઉપરાંત પાદરા તાલુકા ભાજપ અનુસૂચિત મોરચાના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના મોટાભાગના હોદેદારોએ પણ રાજીનામાં આપી દીધા છે. તેમની સાથે સાથે પાદરા બજાર સમિતિના પ્રમુખ સહિતના ડિરેક્ટરોએ પણ ભાજપને રામ રામ કરી દીધા છે.


 



વાઘોડિયા વિધાનસભામાં ભાજપમાં મોટું ભંગાણ


વડોદરાની સૌથી ચર્ચાસ્પદ ગણાતી વાઘોડિયા વિધાનસભામાં આજે ભાજપમાં ભંગાણ સર્જાયું છે. નવાઈની વાત તો એ છે કે ભાજપના 300 કાર્યકરોએ રાજીનામું આપી અપક્ષના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને સમર્થન આપ્યું છે.


ચૂંટણી આવે કે ન આવે પરંતુ વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક કાયમ ચર્ચામાં રહેતી હોય છે. જેમાં આ વખતે ભાજપે 6 ટર્મથી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું પત્તુ કાપીને અશ્વિન પટેલને ઉમેદવાર બનાવ્યા છે. જેને લઈને અહીં ત્રીપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. ગત ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવ સામે 10 હજાર મતથી હારેલા ભાજપના પૂર્વ નેતા અને અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા હાલ પુરજોશમાં પ્રચાર કરી રહ્યા છે અને તેઓએ આજે ભાજપમાં ભંગાણ સર્જી વાઘોડિયા વિધાનસભાના 300 જેટલા હોદ્દેદારો અને કાર્યકરોને પોતાના સમર્થનમાં કર્યા છે. કારણકે આ બેઠક પર ક્ષત્રિય મતદાર વધુ હોવા છતાં ક્ષત્રિયને ટિકિટ ભાજપે આપી નથી.


એટલે હવે અહીં ભાજપના અશ્વિન પટેલ, કોંગ્રેસના સત્યજીતસિંહ ગાયકવાડને છોડીએ તો અપક્ષના ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને અપક્ષથી જ ચૂંટણી લડતા મધુ શ્રીવાસ્તવ એમ બે બાહુબલીઓ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે.


સુરતમાં ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં જોડાયા


 ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા સુરતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.  ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સુધા નાહટા ભાજપમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં સત્તાવાર જોડાયા છે. તેમણે મજુરા વિધાનસભામાં આપના કન્વીનર બની પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે. ભાજપમાં આંતરિક જૂથબંધી અને વ્યક્તિ પૂજાથી વ્યથિત થઈને રાજીનામું આપ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.