વડોદરા: રાજ્યમાં પરીક્ષામાં છબરડાની વાત હવે નવી નથી એમ કહીએ તો પણ કંઈ ખોટું નથી. ગુજરાતમાં યોજાયેલી અનેક પરીક્ષામાં ગેરરીતિથી લઈને પેપર ફૂટવા સુધીની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. હવે એલઆરડીની પરીક્ષામાં તંત્રએ ભાંગરો વાટ્યો છે. જય અંબે શાળાનું જે બિલ્ડીંગ બંધ થઈ ગયુ છે તે બિલ્ડીંગ ઉમેદવારોને ફાળવવામાં આવતા ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. રવિવારે યોજાનાર એલઆરડીની પરીક્ષામાં બેઠક વ્યવસ્થામાં ફેરફાર કરવો પડ્યો છે.
વડોદરા શહેરના પરીક્ષા કેન્દ્રોમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે. જય અંબે વિદ્યાલય અમિત નગર સેન્ટર હતુ તે બદલીને હવે જય અંબે વિદ્યાલય હરણીમાં કરવામાં આવ્યું છે. બેઠક વ્યવસ્થા બદલાય છે તેવા ઉમેદવારોએ નવો કોલલેટર કઢાવવાની જરૂરિયાત નહીં રહે.


યુવરાજ સિંહની ધરપકડના વિરોધમાં રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન


અમદાવાદ: વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ ધરપકડ થતા સમગ્ર રાજ્યમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. યુવરાજ સિંહના સમર્થનમાં અનેક જગ્યાએ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. બનાસકાંઠામાં પણ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા છે. યુવરાજસિંહના સમર્થનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટ્યા છે. ભાજપની આઝાદીનો અમૃત મહોત્સવની રેલીને વિદ્યાર્થીઓએ રોકી હતી. યુવરાજસિંહની અટકાયતને પગલે પાલનપુરમાં વિદ્યાર્થીઓ રેલી યોજી હતી અને સરકાર વિરોધી નારા લગાવ્યા હતા.


તો બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના લિબડી તાલુકામાં માગુંજી ક્ષત્રિય સમાજ દ્રારા ડે.કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. યુવરાજસિંહ ઉપર 307 જેવા ગંભીર ગુન્હામાં ધડપકડ કરવામાં આવી એ બદલ વિરોધ નોંધવતા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લિબડી માગુંજી શાખા ક્ષત્રિય સમાજ ઉપસ્થિત રહી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોધાવ્યો હતો. તેમણે કહ્યું કે, ઝડપથી યુવરાજસિંહ ઉપર રહેલા કેશો પાછા ખેંચવામાં આવે અને નિપક્ષ તપાસ કરવામાં આવે. ભરતી કૌભાંડને બહાર લાવનાર યુવરાજસિંહના સમર્થનમાં લિબડી ડે.કલેકટર ને માગુંજી ક્ષત્રિય સમાજ દ્રારા આવેદનપત્ર આપવામાં આવ્યું.


આ ઉપરાંત રાજકોટ કલેકટર કચેરી ખાતે શ્રી કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. યુવરાજ સિંહ જાડેજાની ધરપકડ અને ખોટી કલમો લગાડવાના વિરોધમાં કરણી સેનાના યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કરણી સેનાના યુવાનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. યુવરાજસિંહ સામે 307ની કલમ લગાડવામાં આવી છે તે દૂર કરવાની માગણી કરણી સેનાના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી છે. રાજકોટ કલેકટર કચેરી ખાતે કરણી સેનાના આગેવાનો દ્વારા ભારે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ સમયે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો પણ જોડાયા હતા.


યુવરાજસિંહની ધરપકડના વિરોધમાં છોટાઉદેપુરમાં પણ પ્રદર્શન કરવામાં આવ્યું છે. 300થી વધુ યુવાઓએ રેલી યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા. યુવરાજસિંહને છોડી મૂકવા અને કેસ પરત લેવાની માગ કરવામાં આવી હતી.