વડોદરા: એમ.એસ.યુનિવર્સિટીમાં નમાઝને લઈને ફરી વિવાદ સર્જાયો છે. ત્રણ દિવસમાં બે વાર નમાઝની ઘટના સામે આવી છે. જેને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યુનિવર્સિટી ખાતે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ યુનિ.તંત્ર દ્વારા હાલ ફક્ત કાઉન્સેલિંગ કરાશે. વારંવાર ઘટના બનશે તો યોગ્ય કાર્યવાહી થશે તેવી પી.આર.ઓએ માહિતી આપી છે.


 બે વાર નમાઝના વિડીયો વાયરલ


વિશ્વ વિખ્યાત અને A++ ગ્રેડ ધરાવતી એમ.એસ.યુનિવર્સિટીમાં નમાઝ થતા વિવાદ વકર્યો છે. જેમાં 3 દિવસમાં બે વાર નમાઝના વિડીયો વાયરલ થતા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ છે. યુનિવર્સિટી A++ રેકિંગ ધરાવે છે પરંતુ આ યુનીવર્સિટી અશ્લીલ પેંટિંગ, દારૂની મહેફિલ, ગાંજા ચરસનો નશો, મહિલા પ્રોફેસરને અશ્લીલ ચિત્ર બતાવવા સુધીના વિવાદ બાદ હવે નમાઝ મામલે વિવાદ થયો છે.


સયાજીગંજ પોલીસ મથકનો કાફલો દોડી આવ્યો


ગત શનિવારના રોજ સંસ્કૃત વિદ્યાલયના ગેટ બહાર એક પુરુષ અને સ્ત્રી નમાઝ અદા કરતા હોય તેવો વિડીયો વાયરલ થતા હિન્દુવાદી સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો. રવિવારના રોજ રજા હોવાથી વિશ્વ હિન્દુ પરિષદ આવ્યું ન હતું જેમાં આજે વીએચપીના આગમન અગાઉ કોમર્સ ફેકલ્ટીમાં બે વિદ્યાર્થીઓએ યુનિટ બિલ્ડીંગની પાછળ પાર્કિંગમાં નમાઝ અદા કરતા હોવાનો વિડીયો વાયરલ થતા વિજિલન્સ અને સયાજીગંજ પોલીસ મથકનો કાફલો દોડી આવ્યો હતો.


વિદ્યાર્થીઓની પૂછતાછ બાદ જવા દેવાયા


સમગ્ર ઘટના બાદ નમાઝ અદા કરનાર વિદ્યાર્થીઓની પૂછતાછ બાદ જવા દેવાયા હતા. પરંતુ બાદમાં વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દૂ સંગઠનોના ટોળા એમ.એસ.યુનિવર્સિટી ખાતે દોડી આવ્યા હતા અને જ્યાં નમાઝ અદા કરાઈ ત્યાં હનુમાન ચાલીસાના પાઠ કરી વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત ચીમકી આપી હતી કે જે તત્વો પડકાર ફેંકતા હોય તેનો પડકાર ઝીલવા અમે સક્ષમ છીએ.


જાણો વિશ્વ હિન્દુ પરિષદે શું આપી હતી ધમકી


ત્રણ દિવસ પહેલા પણ વીડિયો સામે આવ્યો હતો.  એમ.એસ.યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. સંસ્કૃત ફેકલ્ટી બહાર નમાઝ પઢવાનો વિવાદ સામે આવ્યો છે. એક પુરુષ અને એક મહિલાએ નમાઝ પઢી હોવાની વાત સામે આવી છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. આ મામલે આગામી દિવસોમાં ડિનને રજુઆત કરવામાં આવશે. તો બીજી તરફ વીએચપી આ ઘટના બાદ અન્ય ફેકલ્ટીઓમાં પણ મુલાકાત લેશે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્તિક જોશીએ આંદોલનની ચીમકી આપી છે.