Vadodara: વડોદરામાં નકલી પોલીસ બની રેડ કરનારા ત્રણ શખ્સો ઝડપાયા હતા. મળતી જાણકારી અનુસાર, વડોદરાના મોટા કરાળામાંથી નકલી પોલીસ ઝડપાઇ હતી. નકલી પોલીસ બની રેડ કરવા આવેલા ત્રણ જણાને ઝડપી લેવામાં આવ્યા હતા. મોટા કરાળા ગામમાં ખેતમજૂરને ત્યાં ઇકો કાર લઇને નકલી પોલીસે દરોડા પાડ્યા હતા.


દારૂનો ધંધો કરે છે તેમ કહીને ફરિયાદી પાસે નકલી પોલીસે રૂપિયાની માંગ કરી હતી. જોકે ફરિયાદીને શંકા જતા તેણે શિનોર પોલીસને જાણ કરી હતી.  નકલી પોલીસ બની રૂપિયાની માંગ કરનારા જયેશ રાજમલ, વિક્રમ વસાવા, નિલેશ દેવરેની ધરપકડ કરાઇ હતી. પોલીસે ઓળખપત્ર માંગતા નકલી પોલીસનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે ત્રણેની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જયેશ સામે બગોદરા, પાણીગેટ અને વરણામા પોલીસ સ્ટેશન, વિક્રમ સામે ડભોઇ અને બાપોદ તેમજ નિલેશ સામે વાડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયા છે.


 પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ત્રણે શખ્સો પોઇચા સ્વામિનારાયણ મંદિરે દર્શન માટે ગયા હતા અને પૈસા ખુટી જતાં ગામમાં આવીને પૈસા મળે તો લેવા આવ્યા હતાં. ઇકો કાર લઈ રેડ કરવા પોલીસ આવી હોવાની જાણ થતા પોલીસને પણ શંકા ગઇ હતી કારણ કે શિનોર પોલીસ સ્ટેશનના કોઈ કર્મચારી ઇકો કાર રાખતો નથી. જેથી પોલીસે નકલી પોલીસ બની આવેલા ત્રણેય પાસે ઓળખ કાર્ડ માંગી પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો હતો. શિનોર પોલીસે નકલી પોલીસ બનીને આવેલા વડોદરા શહેરના જયેશ રાજમલ, વિક્રમ વસાવા અને નિલેશ દેવરેને ઝડપી પાડ્યા હતા અને વધુ પૂછપરછ શરૂ કરી હતી.


તાજેતરમાં જ રાજકોટમાં પણ નકલી પોલીસ ઝડપાઇ હતી. ભક્તિનગર પાસે નકલી પોલીસ ક્રાઈમ બ્રાંચની ઓળખ આપીને લોકો પાસેથી પૈસા પડાવતો હતો. રિક્ષામાં બેસેલા પેસેન્જર પાસેથી 800 રૂપિયાની લૂંટ પણ ચલાવી હતી. જો કે ભક્તિનગર પોલીસે આ ઠગબાજને ઝડપી પાડ્યો છે. તેમજ ઠગબાજ પર IPC 392, 170, 504 મુજબ નોંધાઈ ફરીયાદ નોંધવામાં આવી છે. રાજકોટમાં LCB ક્રાઈમ બ્રાન્ચનો નકલી અધિકારી અસલી પોલીસના સકંજામાં આવી ગયો હતો.જેણે નોકરી વાંછુક યુવતીને ઉદયપુર LCB ક્રાઈમ બ્રાન્ચમાં હોવાની ઓળખ આપી અનેક વાર દુષ્કર્મ આચર્યું હતું.