Vadodara News: વડોદરા શહેર નજીક આવેલી એક કંપનીમાં નોકરી કરતાં કર્મચારીનું ફરજ દરમિયાન ગ્રાઇન્ડરથી ગળું કપાતાં કરુણ મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતાં પરિવારજનો તેમજ સાથી કર્મચારીઓ અને મિત્રો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. બીજી બાજુ મંજુસર પોલીસે લાશનો કબજો લઈ કાર્યવાહી હાથ ધરી હતી .



ચાર માસ પહેલાં નોકરીમાં લાગ્યો હતો


મળેલી માહિતી મુજબ મૂળ ડાકોર પાસે આવેલ કાલસર ગામનો વતની અને હાલ શહેરના આજવા રોડ ઉપર C -89, ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતો 44 વર્ષિય મિનેષ દિનુભાઇ પટેલ વડોદરા નજીક આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. ચાર માસ પહેલાં જ નોકરી લાગેલ મિનેષ આજે સવારે તે ફસ્ટ શિફ્ટમાં નોકરી ગયો હતો અને મશીન ઉપર પોતાનું કામ શરૂ કર્યુ હતું. દરમિયાન અકસ્માતે મશીનનું ગ્રાઇન્ડર ગળામાં વાગતા, સ્થળ પર લોહીના ભરાયેલા ખાબોચિયામાં ઢળી પડ્યા હતા.



પરિવારજનોનું હૈયાફાટ રૂદન


સાથી કર્મચારીઓ તુરતજ ઇજાગ્રસ્ત મિનેષ પટેલને છાણીની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતાં. જોકે, તબીબી સારવાર મળે તે પહેલાં તેનું મોત નિપજ્યું હતું. અરેરાટીભર્યા આ બનાવની જાણ પરિવારજનોને થતાં, પત્ની અને પુત્ર હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. તે સાથે વતનમાં રહેતા માતા પિતા સહિત પરિવાર દોડી આવ્યું હતું. ઉપરાંત કર્મચારીઓ તેમજ મિત્રો પણ મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. મિનેષના મોતથી પરિવાર સ્તબ્ધ થઇ ગયું. પરિવારજનોના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. અણધાર્યા મોતને ભેટેલ મિનેષ માતા પિતાનો એકનો એક.પુત્ર અને બે બહેનો વચ્ચે એકનો એક ભાઇ હતો.





પોલીસે કાર્યવાહી હાથ ધરી


આ બનાવ અંગે મંજુસર પોલીસે લાશનો કબજો લઇ સયાજી હોસ્પિટલમાં પોષ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસે અકસ્માતે મોતના કાગળો તૈયાર કરી કાર્યવાહી હાથ ધરી  હતી.