વડોદરા: પ્રતિબંધિત ડ્રગ્સ મેથાફેટામાઇનના 47 લાખ રૂપિયાના જથ્થા સાથે વડોદરા પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે શહેર નજીક દેના ચોકડીથી પસાર થતા નેશનલ હાઇવે પર વોચ ગોઠવી હતી. દરમિયાન મોડી રાત્રે જામનગર પાસિંગ ની સ્કોર્પિયો કાર રોકીને તપાસ કરતા તેમાંથી સ્પેરવિલ અને દરવાજાના પડખામાં છુપાવેલ મેથાફેટામાઇન ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું.


પોલીસે મૂળ રાજસ્થાનના નરેન્દ્ર ચૌધરી અને બોટાદના પંકજ મંગુકિયા નામના બે ડ્રગ્સ સપ્લાયરોની ધરપકડ કરી છે. આ બંને વડોદરામાં રહીને રાજસ્થાનથી ડ્રગ્સ લાવી તેમના સાગરીતો મારફતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સપ્લાય કરતા હતા.

સોના કરતા પણ મોંઘા ગણાતા આ ડ્રગ્સની 10 ગ્રામની કિંમત અંદાજે એક લાખ રૂપિયા છે. મ્યાઉ મ્યાઉ તરીકે ઓળખાતા આ ડ્રગ્સનો 470 ગ્રામ જથ્થો જપ્ત કરી યુવા ધનને નસાખોરીમાં ધકેલતા આ નેટવર્કમાં સામેલ અન્ય અપરાધીઓને શોધવાની તજવીજ પોલીસે હાથ ધરી છે.