વડોદરા: વડોદરાના વાઘોડિયાના રૂસ્તમપુરા નર્મદા બ્રાન્ચ કેનાલમાં બે સગાભાઈના ડૂબી જવાના કારણે મૃત્યુ થયા છે. બે ભાઈઓ માતા સાથે સીમમાં ગયા હતાં. આ સમયે પાણીની તરસ લાગતા બંને ભાઈઓ કેનાલમાં ઉતર્યા હતાં. આ સમયે એક ભાઈનો પગ લપસતા પાણીમાં ડૂબ્યો જેને બચાવવા જતા બીજો ભાઈ પણ ડૂબી ગયો હતો.
માતાએ બંને સંતાનોને બચાવવા સાડીનો છેડો નાંખીને પ્રયાસ કર્યો હતો. જોકે માતાની નજર સામે જ બંને બાળકો કેનાલના પાણીમાં ડૂબી ગયા હતા. માતાએ બૂમાબૂમ કરી મૂકતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ કેનાલમાં ઝંપલાવી બંને બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. રૂસ્તમપુરામાં બે સગાભાઈના ડૂબી જવાથી મોત થતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વાઘોડિયા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ભરશિયાળામાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. શહેરના પૂર્વના વસ્ત્રાલ, ઓઢવ અને અમરાઇવાડીમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. મણીનગર, કાંકરિયા, ખોખરા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. ઇસનપુર, લાંભા અને વટવામાં પણ વરસાદ વરસ્યો હતો.
ઈસનપુર, નારોલમાં પણ વરસાદ નોંધાયો હતો. ઈસનપુર વિસ્તારમાં માવઠાએ લગ્નની મજા બગાડી હતી. લગ્નમાં આવેલા મહેમાનોએ ભોજનની થાળીઓ સાથે દોડવાની ફરજ પડી હતી. પૂર્વ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અને તો કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
વડોદરા શહેરના અનેક વિસ્તારમાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો છે. કમોસમી વરસાદને કારણે શહેરીજનો પરેશાન થયા છે. શહેરના નિઝામપુરા, છાણી, સમા, ગોરવા, ફતેહગંજ, સયાજીગંજ, હરણી સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ખેડા જિલ્લામાં ઠંડકભર્યા વાતવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા છે. ગળતેશ્વર તાલુકામાં વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટા પડ્યા. વરસાદી ઝાપટા પડતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.
સુરતના હજીરામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યાં. અહીં ઠંડા પવનો સાથે કમોસમી વરસાદ પડતા ઠંડી વધી હતી જેના કારણે લોકો હાડ થીજાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. કમોસમી વરસાદ થતાં ચણા, કપાસ, જીરૂ અને ઘઉંના પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે વડોદરાના સાવલીમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો જેના કારણે પાકને નુકસાન થવાની સંભાવના સેવાઇ રહી છે. કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રોની ચિંતા વધી છે.