Vadodara News:વડોદરા શહેરના વાઘોડિયા ચોકડી વિસ્તારમાં મોડીરાત્રે ફાયરિંગની ગંભીર ઘટના સામે આવી છે. ગારમેન્ટ્સના એક વેપારી પર અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો હોવાની માહિતી મળી રહી છે.પ્રાથમિક માહિતી અનુસાર, બાઈક પર આવેલા બે શખ્સોએ વેપારીની ગાડીને ઓવરટેક કરી હતી અને ત્યારબાદ તેમના ખભાના ભાગે ગોળી મારી ફરાર થઈ ગયા હતા. ગોળી વાગતા વેપારી ઇજાગ્રસ્ત થયા હતા.
ઘટના બાદ ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે સૌપ્રથમ એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ વડોદરા શહેર અને ગ્રામ્ય પોલીસની ટીમો સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે. સાથે જ એફએસએલની ટીમે પણ સ્થળ પર પહોંચી પુરાવાઓ એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ, 7 લોકો ઘાયલ, દૂર દૂર સુધી ઉડ્યાં પતરા, જાણો અપડેટસ
મળતી માહિતી મુજબ, મૂળ દિલ્હીનો આ યુવક વડોદરામાં ગારમેન્ટનો વ્યવસાય કરે છે. ગઈકાલે રાત્રે તે કાર લઈને વાઘોડિયા તરફ જઈ રહ્યો હતો. ત્યારે બે અજાણ્યા શખ્સોએ બાઈક પર આવીને તેની કારને ઓવરટેક કરી હતી અને અચાનક ફાયરિંગ કર્યું હતું. ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભારે દોડધામ અને ભયનો માહોલ સર્જાઈ ગયો હતો.
પોલીસ હાલ આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ ચકાસી રહી છે તેમજ ટેકનિકલ પુરાવાઓના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે. ફાયરિંગ પાછળ અંગત અદાવત કે અન્ય કોઈ કારણ છે તેની તપાસ માટે અલગ-અલગ ટીમો કામે લાગી છે.
ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે ફાયરિંગની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.
