Vadodara Central Jail: ભગવાન શ્રી રામ બધાના છે એને નાત જાત સાથે કોઈ લેવાદેવા નથી. અને જે લોકો રામ મંદિર ને લઈ ખોટી વાત કરે છે તે મૂર્ખ છે. આ શબ્દો છે વડોદરાની મધ્યસ્થ જેલ માં સજા કાપતા કેદીઓ ના. અહીંના કેદીઓએ કોમી એખલાસ સાથે પોસ્ટ કાર્ડના માધ્યમથી પ્રભુ રામના ચરણોમાં શીશ ઝુકાવવાની શ્રદ્ધા વ્યક્ત કરી છે.


22 જાન્યુઆરીએ આયોધ્યા માં પ્રભુ શ્રી રામ ની પ્રાણ પ્રતિષ્ઠા નો અવસર છે ત્યારે રામ ભક્તો માટે આ જાણે એક પર્વ છે અને વડોદરામાં દરરોજ કોઈ ને કોઈ ભક્તો દ્વારા ભગવાન શ્રી રામને અનોખી ભેટ મોકલવામાં આવી રહી છે. ત્યારે દેશની સૌથી જૂની જેલ પૈકીની વડોદરા મધ્યસ્થ જેલનાં 1800 કેદીઓએ 1800 જેટલા પોસ્ટ કાર્ડ લખ્યા છે. આ પોસ્ટ કાર્ડમાં આયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આનંદ વ્યક્ત કરવામાં આવ્યો છે. સાથે જ પ્રભુ શ્રીરામનાં મર્યાદા પુરુષોત્તમ રૂપની પ્રસંશા કરવામાં આવી છે. સેન્ટ્રલ જેલમાં 400 મુસ્લિમ કેદીઓ સહિત 1800 કેદીઓ સજા કાપી રહ્યા છે અને તેઓ આયોધ્યા જઈ શકે તેમ નથી જેથી પોસ્ટ કાર્ડ થકી તેઓ પ્રભુ શ્રી રામના ચરણોમાં શીશ ઝુકાવશે તેવો ભાવ પ્રગટ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે સેન્ટ્રલ જેલમાં કોઈ નાત જાત નથી અહીં દરેક ધર્મ સમાન છે અને અમે જ્યારે ઈચ્છા પ્રગટ કરી તો જેલ સત્તાધીશોએ અમને પૂરતો સાથ આપ્યો જેના અમે આભારી છે.




સેન્ટ્રલ જેલનાં વેલ્ફેર ઓફિસરનું કહેવું છે કે અગાઉ કેદીઓએ શ્રી રામને ધનુષ બાણ અર્પણ કરવાનું વિચાર્યું હતું પરંતુ જેલમાં તે શક્ય ન હોવાથી પોસ્ટ કાર્ડનું માધ્યમ પસંદ કર્યું અને હવે આ પત્રો પોસ્ટ ઓફિસનાં માધ્યમથી આયોધ્યા મોકલવામાં આવશે.




મહત્વનું છે કે ઘણા બધા ઉતાર ચઢાવ બાદ આખરે 500 વર્ષ બાદ જ્યારે આયોધ્યા માં રામ ભગવાન બિરાજશે ત્યારે વડોદરા ની સેન્ટ્રલ જેલનાં કેદીઓએ ખરેખર ભાઇચારા નું ઉદાહરણ પૂરું પાડી શ્રી રામ ને આવકાર્યા છે.