Uttrayan 2023: મકરસંક્રાતિ એટલે કે ઉત્તરાયણના પર્વ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે હવે વડોદરા પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ચાઈનીઝ દોરાની ખરીદી અને વેચાણ ઉપર પ્રતિબંધ જાહેર કરાયો છે. આ ઉપરાંત ચાઈનીઝ તુક્કલ, ગુબારા તથા ભારે અવાજમાં લાઉડ સ્પીકરો વગાડવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત રોડ રસ્તા પર ઉભા રહી પતંગ ચગાવવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉતરાયણના સમયે જાહેર માર્ગો ઉપર પતંગ ચગાવનાર સામે કાર્યવાહી થશે.


 


વડોદરામાં પતંગની દોરીથી હોકી પ્લેયરનું મોત


વડોદરામાં પતંગની દોરીથી ગિરીશ બાથમ નામના હોકી પ્લેયર મોત નિપજ્યું છે. ગિરીશ બરોડા હોકી કલબ તરફથી રમતો હતો. ચાઈનીઝ દોરીથી આશાસ્પદ યુવાનનું મોત નિપજ્યું છે. નવાપુરા વિસ્તારમાં આવેલા ખંડોબા મંદિરની પાસે પતંગની દોરીથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલાં યુવાનનું સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત નિપજ્યું. લોહીલુહાણ હાલતમાં સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા બાદ સારવાર દરમિયાન રાહુલનું મોત નિપજ્યું. પ્રાથમિક વિગત અનુસાર મૃતક ગિરીશ બાથમની ઉંમર 30 વર્ષની હતી અને તે ભાથુજીનગર દંતેશ્વરનો રહેવાસી હતો.


સુરતમાં પતંગની દોરીએ લીધો આધેડનો ભોગ


ઉતરાયણ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ લોકોએ આકાશમાં પતંગ ચગાવવાની શરૂ કરી દીધી છે. પરંતુ આ મજા ઘણીવાર અન્ય લોકો માટે સજા બની જાય છે. આપણ દર વર્ષે જોઈએ છીએ કે, પતંગની દોરીથી ઘણા પક્ષીઓ અને માણસોને ગંભીર ઈજા થાય છે અને ઘણીવાર આ ઈજા મોતમાં પણ પરિણમે છે. આવા જ મોતની ઘટના સુરતમાં સામે આવી છે. પતંગની દોરીએ કામરેજ ના નવાગામના એક પરિવારના મોભી છીનવી લીધો છે. આધેડ નોકરીથી પરત ઘરે ફરતી હતા ત્યારે દોરીથી ગળું કપાતા મોત થયું હતું.પરિવારના મોભી એવા 52 વર્ષીય બળવંત પટેલ ગઈકાલે સાંજે ડાયમંડ નગરથી નોકરીથી ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન  સુરતથી કામરેજ તરફ આવતા માર્ગ પર સહકાર નગર પાસે ગળામાં પતંગની દોરી ફસાઈ ગઈ હતી. ગળું કપાવાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જોકે ઘટના સ્થળે પહોંચેલી 108 બળવંતભાઈને હોસ્પિટલ તો લઈ ગઈ પરંતુ સારવાર મળે એ પહેલા જ બળવંત ભાઈનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું.