વડોદરાઃ શહેરના સમા વિસ્તારમાં 35 વર્ષીય યુવતીની પુત્રી સાથે શંકાસ્પદ હાલતમાં ઘરમાંથી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. માતા-પુત્રીનું મોત થયું હોવાની જાણકારી મળતાં પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી. પોલીસે બંનેના મોતનું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેમજ ઘર જમાઇ તરીકે રહેતા પતિની પોલીસે અટકાયત પણ કરી હોવાનું જાણવા મળ્યું છે. 


શહેરના સમા વિસ્તારમાં ચંદન પાર્ક સોસાયટીમાં આવેલા બે માળના મકાનમાંથી 35 વર્ષીય શોભના તેજશભાઈ પટેલ અને 5 વર્ષીય પુત્રી કાવ્યાનું મોત થયું છે. પરીવાજનો જ બંન્નેને લઈ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં બંનેને તબીબોએ મૃત જાહેર કર્યા હતા. યુવતીના ગળાના ભાગે ઇજાના નિશાન પણ મળી આવ્યા છે.


હાલ, બંનેના મૃતદેહ પીએમ રૂમમાં રાખવામાં આવ્યા છે. એસીપી ભરત રાઠોડે નિવેદન આપ્યું હતું કે, હાલમાં બંને માતા પુત્રીના શંકાસ્પદ મૃતદેહો મળ્યા છે. પીએમ બાદ જ મોતનું કારણ સામે આવશે. મહિલાના પતિની પોલીસે અટકાયત કરી છે. મૃતક મહિલાનો પતિ ઘર જમાઈ તરીકે રહેતો હતો. આજે વહેલી સવારે 2 વાગ્યે બંનેને ગોપીનાથ હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યાં બંનેને મૃત જાહેર કરતાં સમા પોલીસે એડી દાખલ કરી છે. હાલ બંનેને પીએમ માટે લઈ આવ્યા છીએ. પતિ-પત્ની વચ્ચે સામાજિક પ્રશ્નો મુદ્દે તકરાર થતી હતી. પીએમ નોટ આવે પછી જ વધુ કાર્યવાહી કરવામાં આવશે.


જ્યારે જામનગરમાં જામજોધપુરના સડોદર ગામે પતિએ પત્ની અને માસુમ પુત્રને પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી. બંનેને સારવાર માટે જી.જી. હોસ્પિટલ જામનગર ખસેડાયા હતા. પુત્ર રડતો હોવાથી તને સાચવતા આવડતું નથી તેમ કહી તકરાર કરી માતા પુત્ર ઉપર પેટ્રોલ છાંટી હત્યાનો પ્રયાસ કરી ફરાર થયો છે.  દાહોદનો મારવાડી પરિવાર ખેત મજુરી કામ માટે આવ્યો હતો અને  સડોદર ગામે ઝૂંપડું બાંધી રહે છે. ગઈ રાતની ઘટના છે.