Vadodara News: બરોડા મેડિકલ કેલેજની યુ.જી હોસ્ટેલમાં મચ્છરોના ઉપદ્રવના કારણે 5 તબીબને ડેન્ગ્યુ થયો છે. જ્યારે 25થી વધુ તબીબોને તાવ અને ટાયફોડની અસર છે.  હોસ્ટેલ પરિસરમાં  ફેલાયેલી ગંદકીને કારણે રોગચાળો વકરતાં તબીબો પણ ઝપેટમાં આવ્યા છે.



વડોદરાની બરોડા મેડિકલ કોલેજના તબીબો રાવપુરા વિસ્તારની યુજી હોસ્ટેલમાં રહી એસએસજી હોસ્પિટલમાં ફરજ બજાવે છે. અંડર ગ્રેજ્યુએટ સહિતના 500 થી વધુ તબીબો આ હોસ્ટેલમાં રહે છે. જ્યાં હોસ્ટેલ પરિસરમાં સતત ઉભરાતી ગટરો સાથે સાંજના સમયે પાણીની લાઈનોમાંથી હોસ્ટેલ પરિસરમાં જળબંબાકાર રહે છે. જેના કારણે સતત મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. હોસ્ટેલમાં અનેક તબીબો તાવ, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા સહિતની વિવિધ બીમારીઓમાં સપડાયા છે. પાંચ તબીબોને ડેન્ગ્યુ થયો છે તો 25 થી વધુ તબીબોને તાવ અને ટાઈફોડની અસર થઈ છે. હાલ કેટલાક તબીબોને એસએસજી હોસ્પિટલમાં ભરતી કરાયા છે તો કેટલાક પોતાના હોસ્ટેલના રૂમ ખાતે સારવાર લઈ રહ્યા છે. વડોદરા એસએસજી હોસ્પિટલ દ્વારા સંચાલિત બરોડા મેડિકલ કોલેજના તબીબો જ્યાં લોકોની સેવા કરે છે ત્યાં તેમનું જ તંત્ર દ્વારા ધ્યાન રાખવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે, જેને કારણે યુજી હોસ્ટેલમાં રોગચાળાનો ભય ઊભો થયો છે.




ડેન્ગ્યુના લક્ષણો



  • જોરદાર તાવ

  • ગંભીર માથાનો દુખાવો

  • સ્નાયુ, હાડકા અને સાંધાનો દુખાવો

  • ઉબકા આવવા

  • ઉલટી થવી

  • ત્વચા પર ખંજવાળ અથવા ફોલ્લીઓ

  • ગંભીર નબળાઇ આવવી

  • આંખોની પાછળના ભાગમાં દુખાવો




ડેન્ગ્યુથી બચવાના ઉપાયો



  • ઘરની આસપાસ ક્યાંય પણ પાણી જમા ન થવા દો. જો કૂલરમાં, વાસણમાં કે અન્ય કોઈ વસ્તુમાં લાંબા સમય સુધી પાણી રહેતું હોય તો તેને ખાલી કરી દો.

  • પાણીની ટાંકી ઢાંકીને રાખો.

  • બારીઓ અને દરવાજા પર જાળી લગાવો જેથી મચ્છર બહારથી પ્રવેશી ન શકે.

  • મચ્છરોથી બચવા માટે ઘરની આસપાસ મચ્છર મારવની દવાનો છંટકાવ કરો.

  • મચ્છરોથી બચવા માટે મચ્છરદાની સાથે સૂવાનું રાખો.

  • મચ્છરોથી બચવા માટે આખુ શરીર ઢંકાય તે પ્રકારના કપડાં પહેરો.

  • તાવ, દુખાવો, ઉલ્ટી જેવા લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરની સલાહ લો.

  • ડૉક્ટરની સલાહ ખૂબ જ મહત્વપૂર્ણ છે




ઘણી વખત લોકો ડેન્ગ્યુના હળવા લક્ષણોને વાયરલ ઈન્ફેક્શન અથવા ફ્લૂ સમજી લે છે. સાવચેતીમાં સલામતી છે, જો તમને કોઈપણ પ્રકારના લક્ષણો દેખાય તો ડૉક્ટરની સલાહ લો. તેની યોગ્ય સારવાર કરવી જોઈએ કારણ કે ગંભીર લક્ષણો ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ    થઈ શકે છે.  જે કારણે  ડેન્ગ્યુ હેમરેજિક તાવ  થઈ શકે છે અને  રક્ત વાહિનીઓને નુકસાન, લીવરને નુકસાન ભારે રક્તસ્રાવ અને મૃત્યુ જેવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે.