વડોદરાઃ વડોદરામાં રેસકોર્સ વિસ્તારમાં ઓફિસ ધરાવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે પોતાની ઓફિસમાં કામ કરતી હરિયાણાની 24 વર્ષની યુવતી સાથે પરાણે શરીર સંબંધ બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો. બીજા દિવસે સી.એ.ના ક્લાયન્ટ અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટીએ પણ યુવતીને ફ્લેટ પર આવીને તેની સાથે પરાણે શરીર સંબંધ બાંધ્યા હતા. ટ્રસ્ટીએ યુવતી સાથે શરીર સુખ માણતા હોય તેનું વીડિયો રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. યુવતીએ તેના સી.એ.બોસ અને એક ક્લાયન્ટે બળાત્કાર ગુજારી નગ્નાવસ્થામાં ફોટા પાડી લીધા હોવાનો આક્ષેપ પણ કર્યો છે. આ બનાવ અંગે યુવતીની ફરિયાદને આધારે ગોત્રી પોલીસે સી.એ.અશોક જૈન અને તેના ક્લાયન્ટ રાજુ ભટ્ટ સામે ગુનો નોંધ્યો છે.
આ યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, હું વડોદરામાં પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે આવી હતી અને ટ્રેનિંગ માટે રેસકોર્સ ચકલી સર્કલ પાસેના બિલ્ડિંગમાં પહેલા માળે આવેલી અશોક જૈનની એમ્સ. કો એન્ડ સન્સ કંપનીમાં જોડાઇ હતી.અશોક જૈને મને દીવાળીપુરા વિસ્તારમાં એક ફ્લેટ પણ ભાડે લઇ આપ્યો હતો.
એક મહિના પહેલાં જૈન મર્સિડિઝ લઇ મારા ફ્લેટની નીચે આવ્યા હતા અને આજવા રોડની સહારા ઇન્ડસ્ટ્રિઝની જમીન સેબીમાંથી ફ્રી કરાવવાના કામ માટેની મીટિંગના નામે લઈ ગયા હતા. અમે વાસણારોડ પર હેલીગ્રીનના સાતમા માળે આવેલા તેમના ફ્લેટમાં ગયા હતા. ફ્લેટમાં પાવાગઢ મંદિરનો ટ્રસ્ટી રાજુ ભટ્ટ હાજર હતો. બોસે તેની ઓળખ ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ તરીકે આપી હતી. એ પછી જૈને મને કેફી પીણું પીવડાવ્યું હતું. રાજુ ભટ્ટના ગયા બાદ મારા શરીર સાથે અડપલાં કરી મારા કપડાં કાઢી મને નિર્વસ્ત્ર કરી દીધી હતી. જો કે મેં બૂમો પાડતાં તે મને ઘેર મૂકી ગયા હતા.
આ બનાવના આઠ-દસ દિવસ બાદ અશોક જૈન મારા ફ્લેટ પર આવ્યા હતા. મેં તેમની સાથે જમવાનો મેં ઇનકાર કરતાં મને વાળ પકડી માર માર્યો હતો અને મને નગ્ન કરીને મારી સાથે પરાણે શરીર સુખ માણ્યું હતું. શરીર સંબંધ બાંધ્યા પછી તેમણે મને કહ્યું હતું કે, ઇન્વેસ્ટર રાજુને ખુશ કરી દેજે. બીજે દિવસે રાજુ ભટ્ટ આવ્યો હતો અને તેણે પણ જબરદસ્તી કરી ટીવી મારી મને ઘાયલ કરી હતી. તેનો લાભ લઈ તેણે પણ પરાણે શરીર સુખ માણીને વીડિયો રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી હતી.
આ બનાવ બાદ અશોક જૈને બીજા એક ક્લાયન્ટને ખુશ કરવાનું કહેતાં મેં ઇનકાર કર્યો હતો. તેમણે મારા મિત્ર અલ્પેશ વાઘવાણીને ન્યૂડ ફોટા મોકલી અન્ય સ્થળે ફોટા વાયરલ કરવા ધમકી આપી હતી. હું ગભરાઇને દિલ્હી ચાલી ગઇ હતી અને હવે ફરિયાદ કરવા આવી છું. પોલીસે આ ફરિયાદને આધારે અશોક જૈન (રોકડનાથ સોસાયટી, દીવાળી પુરા ) અને રાજુ ભટ્ટ (અલકાપુરી) સામે ગુનો નોંધ્યો છે.