વડોદરાઃ વડોદરામાં સી.એ. અને તેના ક્લાયન્ટે 24 વર્ષની યુવતી પર બળાત્કાર ગુજાર્યો એ ઘટનામાં યુવતીએ પોલીસ ફરિયાદમાં ઘણા ચોકાવનારા આક્ષેપ કર્યા છે.
યુવતીનો આક્ષેપ છે કે, તેના બોસ એવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અશોક જૈન તેને પોતાના ફ્લેટમાં લઈ ગયા હતા. તેમણે યુવતીને કેફી પીણું પીવડાવી નિર્વસ્ત્ર કરી દીધી હતી. એ પછી તેણે છેડતી કરીને શરીર સંબંધ બાંધવા પ્રયત્ન કર્યો હતો પણ પોતે બૂમો પાડતાં અશોક જૈને તેને છોડી દીધી હતી અને વાત દાબી દેવા લાલચ પણ આપી હતી.
પીડિતાએ કહ્યું છે કે, સી.એ.અશોક જૈને વાસણા રોડના ફ્લેટમાં રાજુ ભટ્ટ સાથે મીટિંગ કરાવી ત્યારે પણ કેફી પીણું પીવડાવ્યું હતું. અમે એ પછી ઓફિસમાં ગયાં ત્યારે પણ તેમણે મારા અંગો સાથે છેડછાડ કરી મારા કપડાં કાઢી નાંખી મને સંપૂર્ણ નિર્વસ્ત્ર કરી દીધી હતી. રાજુ ભટ્ટના ગયા બાદ તેમણે કોન્ડોમ પહેરી શરીર સુખ માણવાનો પ્રયાસ કરતાં મેં પ્રતિકાર કર્યો હતો. અશોક જૈને મને કપડાં ે પહેરી લેવાનું કહી ઓફિસમાંથી જતા રહ્યા હતા.
આ બનાવના ત્રણેક દિવસ બાદ અશોક જૈને મને જમીનની ડીલ માટે અરજન્ટ મીટિંગ માટે ઓફિસે બોલાવી હતી. તેમણે જે કાંઇ થયું છે તે ભૂલી જવાનું કહી જમીનના સોદામાં ફાયદો થશે તેમાંથી 50 ટકા ભાગ આપવાની ઓફર કરી હતી. આ ઉપરાંત રીઅલ એસ્ટેટ કંપનીમાં સીઇઓ બનાવવાની લાલચ આપી હતી.
આ ઘટનામાં રેસકોર્સ વિસ્તારમાં ઓફિસ ધરાવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે પોતાની ઓફિસમાં કામ કરતી હરિયાણાની 24 વર્ષની યુવતી સાથે પરાણે શરીર સંબંધ બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો. બીજા દિવસે સી.એ.ના ક્લાયન્ટ અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટીએ પણ યુવતીને ફ્લેટ પર આવીને તેની સાથે પરાણે શરીર સંબંધ બાંધ્યા હતા. ટ્રસ્ટીએ યુવતી સાથે શરીર સુખ માણતા હોય તેનું વીડિયો રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી પણ આપી હતી.