Vadodara: રાજ્યમાં હાર્ટ એટેકેના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ચાલુ સપ્તાહે હાર્ટ એટેકથી મોતની ચોથી ઘટના બની છે. વડોદરા ડભોઇ એસ ટી બસમાં પેસેન્જરને હાર્ટ એટેક આવતાં મોત થયું હતું. વેગા ટોકડી પાસે ચાલુ બસે પેસેન્જરને હાર્ટ એટેકે આવતાં સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું.  પેસેન્જર મૂળ ઝારખંડનો રહેવાસી છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જતો હતો તે સમયે ઘટના બની હતી. એસ ટી ના કર્મચારીઓએ પોલીસને જાણ કરી હતી.


વાંકાનેરમાં કોમ્પ્યુટ ઓપરેટરે ગુમાવ્યો જીવ


મોરબીના વાંકાનેરના યુવાનને હાર્ટ એટેક આવતા મોત થયું છે. મૃતકનું નામ નરપતભાઈ કેશુભાઈ ઉભડીયા (ઉ.૩૦) છે. તેઓ મોરબીથી ઇકોકારમાં વાંકાનેર આવતા હતા ત્યારે વઘાસીયા ટોલનાકા પાસે તબિયત લથડી હતી. જે બાદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મોત થયું  હતું. મૃતક યુવાન મિત્ર સાથે ઇકોકાર લઈને મોરબી પાર્સલ લેવા આવ્યો હતો  અને ત્યાંથી પરત ફરતા સમયે બનાવ બન્યો હતો. મૃતક ખાનગી શાળામાં કોમ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હોવાની પોલીસ પાસેથી માહિતી મળી છે. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.


પાટણમાં એસટી ડ્રાઈવરનું હાર્ટ એટેકથી મોત


છેલ્લા થોડા દિવસોથી યુવાનોમાં હાર્ટ એટેકનં પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. છેલ્લા બે મહિનામાં ક્રિકેટ કે અન્ય રમત રમતી વખતે આવેલા હાર્ટ એટેકથી આઠથી દસ લોકોના મોત થયા છે. પાટણમાં હાર્ટ એટેકથી એસટી ડ્રાઇવરનું નિધન થયું હતું.  રાધનપુર એસટી કર્મીને ચાલુ ફરજ દરમિયાન હાર્ટએટેક આવતાં મોત થયું હતું. રાધનપુર-સોમનાથ એસટી ડ્રાઇવર ભારમલભાઈ આહીરનું મોત થતાં સાથી કર્મચારીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. સોમનાથથી રાધનપુર પરત ફરતા ડેપો નજીક પહોંચતા ડ્રાઇવરની તબિયત લથડી હતી. છાતીમાં દુખાવો થતા ડ્રાઇવર દ્વારા મુસાફર ભરેલી એસટી બસ સલામત ડેપોમાં પાર્ક કર્યા બાદ મોત થયું હતું. ડ્રાઇવરને છાતીમાં દુખાવો ઉપડતા રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું.









સુરતના કિરણ ચોક વિસ્તારમાં ગત મહિને વહેલી સવારે યોગા કરતી વખતે 44 વર્ષીય પુરુષ ઢળી પડ્યો હતો. જેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. મહત્વનું છે કે સુરતમાં ક્રિકેટ રમીને ઘરે આવ્યા બાદ ત્રણ યુવાનના મોતની ઘટના સામે આવી ચૂકી છે ત્યારે વધુ એક પુરુષનું યોગા દરમિયાન મોત થતા અરેરાટી વ્યાપી ગઈ હતી. સુરતમાં કિરણ ચોક પાસે આવેલા હરે કૃષ્ણ પાર્ટી પ્લોટમાં દરરોજ લોકો એરોબિક્સ અને યોગા કરે છે. આજે સવારે લોકો યોગા અને એરોબિક્સ કરી રહ્યા હતા તેવામા 44 વર્ષીય મુકેશભાઈ પણ યોગા કરી રહ્યા હતા. સવારથી આવ્યા ત્યારથી તેમને પેટમાં બળતરા અને એસીડીટી થતી હોવાની ફરિયાદ કરી હતી. થોડા ફ્રેશ થયા બાદ તેમણે યોગા શરૂ કર્યા અને તે દરમિયાન ઢળી પડ્યા હતા. જેથી તાત્કાલિક તેમને નજીકની ડાયમંડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ત્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.ઘટનાને પગલે મિત્ર મંડળ અને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયા હતા. સુરતમાં છેલ્લા થોડા દિવસમાં ક્રિકેટ રમીને આવ્યા બાદ 3 લોકોના મોત થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.આ યુવાનોના મોત હાર્ટએટેકના કારણે થયા હોવાનું સામે આવ્યું હતું. 44 વર્ષીય મુકેશભાઈ મેંદપરાનું મોત થયું હતું.મોત થતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી લાશને પી એમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી.