Vadodara Accident: રાજ્યમાં રવિવારે પણ અકસ્માતનો સિલસિલો વણથંભ્યો છે. વડોદરાના ડભોઈના થુવાવી રાજલી ક્રોસિંગ પાસે કારે રીક્ષાને અડફેટે લીધી હતી. જેમાં રીક્ષામાં સવાર ડભોઈના અંબાવ ખાતે રહેલા મહિલા મંજુલાબેન મગનભાઈ તડવીનું ઘટના સ્થળે મોત થયું હતું. રીક્ષામાં સવાર અન્ય 4 ને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં 2 લોકોની હાલત ગંભીર છે.
વેગન આર કાર અને ઓટો રીક્ષા વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. શ્રમિક લોકો રીક્ષામાં મજૂરી કામ અર્થે નીકળ્યા ત્યારે આ ગમખ્વાર અકસ્માત થયો હતો. ડભોઇ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલ્યો હતો. ઈજાગ્રસ્તોને 108ની મદદથી સારવાર હેઠળ લઇ જવાયા હતા.
લીંબડી-અમદાવાદ હાઇવે ઉપર અકસ્માતની ઘટના બની છે. જાખણનાં પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો. ખાનગી ટ્રાવેલ્સના ચાલકે સ્ટીયરિંગ ઉપર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતા. જેમાં 25થી વધુ વ્યક્તિઓને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.અકસ્માત સર્જાયા બાદ ડ્રાઇવર ક્લીનર ફરાર થઈ ગયા હતા. લીંબડી, પાણશીણા વઢવાણ સહિતની 108 ઘટના સ્થળે પહોંચી હતી. ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.
જૂનાગઢમાં ચોબારી રેલવે ફાટક પાસે ડિવાઇડર સાથે કાર અથડાયા બાદ પલ્ટી ખાઈ જતા શિક્ષકનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર શહેરમાં વિસ્તારમાં આવેલ મારુતિ નગરમાં રહેતા અને જુનાગઢ કન્યાશાળામાં શિક્ષકની નોકરી કરતા નરેશભાઈ ભગવાનભાઈ વાજા ઉ. વ. 45 મોડી રાત્રે પોતાની જીજે-11-બીએચ-0884 નંબરની કાર ચોબારી રોડ પર જતા હતા ત્યારે ચોબારી રેલવે ફાટક પાસે કાર ડિવાઇડર સાથે અથડાઈને પલટી મારી ગઇ હતી. અકસ્માતમાં નરેશભાઈને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા.
અંકલેશ્વર રાજપીપળા ચોકડી પર ઓવરટેક કરતી વેળા હાઇવાનો ડ્રાઇવર કારને ટક્કર મારી 10 ફૂટ સુધી ઢસડી ગયો હતો.સદનસીબે અકસ્માતમાં કારચાલકનો આબાદ બચાવ થયો હતો. અંકલેશ્વર હાઇવે પર અકસ્માતોની વણથંભી વણઝાર યથાવત રહી છે. શનિવારના રોજ રાજપીપળા ચોકડી બ્રિજ નીચે એક હાઇવાના ચાલકે ઓવરટેક કરી વળાંક લેતી વેળાએકકારને અડફેટે લીધી હતી અને 10 ફૂટ સુધી ઢસડી ગયો હતો.કારમાં ફસાયેલા ડ્રાઇવરે બુમરાણ મચાવતાં હાઇવાનો ચાલક રોકાયો હતો. અકસ્માતના પગલે હાઇવે પર ચકકાજામ થઇ ગયો હતો અને સદનસીબે કારના ડ્રાઇવરનો બચાવ થયો હતો. સ્થાનિક ટ્રાફિક પોલીસ દોડી આવી અકસ્માતગ્રસ્ત વાહનને સાઈડ કરી વાહનવ્યવહાર રાબેતાં મુજબ કર્યો હતો.