વડોદરાઃ શહેરના ખોડિયારનગર તળાવ પાસેના બગીચા નજીકથી હત્યા કરેલી હાલતમાં મળેલી યુવતીની લાશ મામલે ચોંકાવનારો ધડાકો થયો છે. યુવતીની હત્યા બીજા કોઈ નહીં, પરંતુ તેના જ પતિએ કરી હોવાનો ખુલાસો થયો છે. હત્યરા પતિની હરણી પોલીસે ધરપકડ કરી લીધી છે. પત્નીના ચારિત્ર્યની શંકામાં શુક્રવારે રાત્રે ખોડીયારનગર બગીચા પાસે ઉભેલી પત્નીની પાછળ પાછળ ગયા બાદ પતિ -પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. આ સમયે ઉશ્કેરાયેલા પતિએ ગળું દબાવી મોઢા પર સિમેન્ટનો બ્લોક મારી પત્નિને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો ખુલાસો થયો હતો.

 

ગત શનિવારે સવારે 11 વાગ્યે  45 વર્ષીય કોકિલાબેન વજેસિંહ ડાભીની ખોડિયારનગર તળાવ પાસેના બગીચા નજીકથી હત્યા કરેલી લાશ મળી આવી હતી. હરણી પોલીસે તપાસ દરમિયાન મૃતક કોકિલાબેનના પતિ વજેસિંહ સ્વરૂપભાઈ ડાભી ( ઠાકોર) સહિત ચાર શકમંદની અટકાયત કરી હતી. કોકિલાના પતિ વજેસિંગની પૂછપરછમાં પત્નિના ચારિત્ર્ય પર શંકાના કારણે તેણે જ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

 

પોલીસ તપાસમાં આરોપીએ જણાવ્યું હતું કે, 12 તારીખે પત્ની કોકિલા બપોરના 3 વાગે ઘરેથી નીકળી ગઈ હતી અને સાંજે પરત આવી હતી. ત્યાર બાદ ફરી સાંજે 7-30 વાગે તે ઘરેથી જતી રહી હતી. જેથી વજેસિંગે તેને ઘરે પરત આવવા સમજાવી હતી, પરંતુ ન માનતા બંને વચ્ચે માથાકૂટ થઈ હતી અને ઉશ્કેરાયેલા વજેસિંગે પત્નીની હત્યા કરી નાંખી હતી. 

 

પૂછપરછ દરમિયાન વજેસિંહે પોલીસને કહ્યું હતું કે, મારી પત્નીની ચાલ ચલગત સારી રહી નહીં હોવાથી અમારી વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હતા. બનાવના દિવસે પણ સાંજે ઘેર આવ્યા બાદ પત્ની ફરી ઘર બહાર જતી રહી હતી.ખોડીયાર નગર પાસે કોકિલા મળી જતાં અમારી વચ્ચે બોલાચાલી થઈ હતી.જેથી મેં તેનું ગળું દબાવ્યું હતું અને માથામાં મોટો પથ્થર મારતાં તેનું મોત નીપજ્યું હતું.પોલીસે રિમાન્ડની તજવીજ કરી છે.

 

પત્નિના આડા સબંધના વહેમમાં પતિએ ગળું દબાવ્યા બાદ માથામાં સિમેન્ટનો બ્લોક મારી પત્નિને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો પર્દાફાશ થતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથધરી છે. પત્ની સાથે ઝઘડો થતા આવેશમાં આવી તેનું ગળું દબાવી દીધું હતું. તે બાદ નજીકમાં પડેલ સિમેન્ટનો બ્લોક માથામાં મારી મોત ને ઘાટ ઉતારી દીધી હતી. 

 

પોલીસને પહેલેથી જ પતિ પર શંકા હતા. તેમજ પુછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી હતી. પોલીસે સીસીટીવી ચેક કરતાં બે સીસીટીવીમાં તે ઘરની બહાર દેખાયો હતો, જેથી પોલીસની શંકા પાકી થઇ હતી. પોલીસે સિમેન્ટનો બ્લોક પણ કબજે કર્યો હતો.