વડોદરાઃ ગુજરાતમાં કોરોનાએ મોતનુ તાંડવ શરૂ કરી દીધુ છે. દરરોજ કોરોનાથી મોતનો આંકડો ઉંચકાઇ રહ્યો છે. આ મહામારીને લઇને વડોદરામાંથી એક સૌથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. વડોદરાના વારસિયા વિસ્તારમાં એક બંધ મકાનમાંથી વૃદ્ધ માતા અને પુત્રીના દુર્ગંઘ મારતા મૃતદેહો મળી આવ્યા છે. માહિતી છે કે, 80 વર્ષીય માતા અને 50 વર્ષીય પુત્રી કોરોનાના કારણે ઘરમાં ક્વૉરન્ટાઇન થયા હતા, જ્યાં તેમનુ મૃત્યુ થયુ હતુ. 


માહિતી પ્રમાણે, માતા તારાબેન પવાર (ઉં.વ. 80) અને દીકરી અરુણાબેન પવાર (ઉં.વ.50)ની લાશ વારસિયાના સંવાદ ક્વાર્ટર્સના બંધ મકાનમાંથી મળી આવી છે. વારસિયા પોલીસ અને FSLની ટીમો ઘટના સ્થળે પહોંચી છે. 5 થી 6 દિવસ પૂર્વે કોરોનાને કારણે મોત થયું હોવાનું ફોરેન્સિક ઓફિસરનું અનુમાન છે. મૃત્યુના સાચા કારણો જાણવા પોસ્ટમોર્ટમ અર્થે માતા પુત્રીના મૃતદેહ SSG હોસ્પિટલ ખસેડાયા છે.


સંવાદ ક્વાટર્સ સ્થિત પાર્વતીનગરમાં 161 નંબરના ઘરમાંથી એકલવાયું જીવન જીવતા માતા-પુત્રીના મોત બાદ નગ્ન અવસ્થામાં મૃતદેહો ઘરમાં ગંધાવા માંડ્યા હતા. ઘરમાંથી દુર્ગંધ આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ પહોંચી હતી. પોલીસે મૃતદેહોનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. આ સાથે પોલીસે રહસ્યમય મોત અંગે તપાસનો દોર શરૂ કર્યો છે.


પોલીસે ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે ઘરમાં ટી.વી. અને પંખા ચાલુ હતા. પોલીસે મકાનનો દરવાજો ખોલતાજ મૃતદેહો નગ્ન અવસ્થામાં જોતા ચોંકી ઉઠી હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. પોલીસે ડી-કંપોઝ થઇ ગયેલા મૃતદેહોનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા. વારસીયા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ દરમિયાન રહસ્યમય મોતને ભેટેલા માતા-પુત્રીના બનાવની ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.


છેલ્લા 24 કલાકમાં આ બે જિલ્લામાં 1000થી વધુ કેસ
છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ અને વડોદરા એમ માત્ર બે જિલ્લા એવા છે જ્યાં કોરોનાના દૈનિક કેસ ૧ હજારથી વધુ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં ૨,૪૬૦ જ્યારે વડોદરામાં ૧,૦૩૪ કેસનો સમાવેશ થાય છે. આ પૈકી અમદાવાદ શહેરમાં ૨૩૯૬-ગ્રામ્યમાં ૬૪, વડોદરા શહેરમાં ૫૬૯-ગ્રામ્યમાં ૪૬૫ નવા કેસ સામે આવ્યા છે. બીજી તરફ સુરત શહેરમાં ૫૯૮-ગ્રામ્યમાં ૨૦૮ સાથે ૮૦૬, રાજકોટ શહેરમાં ૨૭૪-ગ્રામ્યમાં ૨૦૨ સાથે ૪૭૬ કેસ નોંધાયા છે. કુલ કેસ હવે અમદાવાદમાં ૨,૨૧,૩૭૪-સુરતમાં ૧,૩૪,૫૭૭-વડોદરામાં ૬૬,૫૭૪ અને રાજકોટમાં ૫૨,૬૧૯ છે.