Vadodara: વડોદરામાં 70 વર્ષના વૃદ્ધ સાથે તેની પુત્રીએ જ ઠગાઈ કર્યાની ઘટના સામે આવી છે. 70 વર્ષના વૃદ્ધે પુત્રી અને તેના તબીબ મિત્રની વાતોમાં આવીને આટલી મોટી રકમ આપી હતી.
પુત્રી અને તબીબે વડોદરામાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવાનું કહીને આ સમગ્ર ખેલ પાડ્યો હતો. નૃદ્ધે પુત્રી અને તબીબ તથા તેની પત્ની સામે રાવપુરા પોલીસમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
રાવપુરા ના ખારીવાવ રોડ પર ત્રિમૂર્તિ હાઉસમાં રહેતા વૃદ્ધ હિમાંશુ શ્રીરામ સંગમનેરે આ ફરિયાદ નોંધાવી હતી. 2020 માં પુત્રી કલ્યાણી તથા ડોકટર નિશાંત શાહ અને તેની પત્ની અમી ત્રણે એ હોસ્પિટલ બનાવવા 2.39 કરોડ રૂપિયાનું પ્રોજેક્ટમાં રોકાણ કરાવ્યાં હતાં. જોકે ઘણા લાંબા સમય બાદ પણ રૂપિયા પરત ન આપતા વૃદ્ધે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
વડોદરામાં વિઝાની ઓફિસ પર દરોડા
વિદેશ જવાની ઘેલછામાં ઘણા લોકો લેભાગુ એજન્ટની જાળમાં ફસાઇને છેતરાતા હોય છે. સ્ટુડન્ટ, ટુરિસ્ટ અને વર્ક પરમિટના વિઝા મેળવવા માટે અરજદારની જાણ બહાર કેટલીક વખત બોગસ ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરી પૈસા પડાવવામાં આવતા હતા. ભેજાબાજો દ્વારા બોગસ ઓફર લેટર પણ આપવામાં આવતા હતા. રાજ્યના વિવિધ મહાનગરોમાં વિઝાનુ કામ કરતી એજન્સીઓમાં સ્ટેટ સી.આઈ.ડી ક્રાઈમ દ્વારા એક સાથે દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. વડોદરાના ગેંડા સર્કલ પાસે સારાભાઈ કમ્પાઉન્ડમાં આવેલી માઇગ્રેશન ઇમિગ્રેશન ઓવરસીઝ નામની વિઝાનું કામ કરતી ઓફિસમાં 12 અધિકારીઓ દ્વારા સર્ચ કરાયું હતું, મોડી રાત સુધી સર્ચની કાર્યવાહી ચાલી હતી. રાજ્યની કેટલી એજન્સીઓ દ્વારા ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ ના આધારે વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ્સ વિઝા ઉપર વિદેશ ભણવા મોકલવામાં આવે છે તેવી માહિતી હતી.
માઇગ્રેશન ઓવરસીઝમાં 12 કલાક ની તપાસ બાદ ખૂબ મોટી સંખ્યામાં ડોક્યુમેન્ટ જપ્ત કરાયા હતા. સ્ટુડન્ટ વિઝા અને વર્ક પરમીટ પર યુ.કે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ન્યુઝીલેન્ડ લોકોને મોકલતા હતા. સી.આઈ.ડી ક્રાઈમ દ્વારા વિવિધ ડોક્યુમેન્ટ, હાર્ડ દ્રાઈવ, ડીવીઆર સર્વર જપ્ત કરાયા તથા હિસાબ કિતાબની તપાસ હાથ ધરાઈ હતી. સ્મિત શાહની માલિકીની માઇગ્રેશન નામની વિઝા ઓફિસ ની તપાસ થઈ હતી. જોકે સમગ્ર તપાસમાં કોઈ વાંધાજનક ડોક્યુમેન્ટ મળ્યા નથી તેવી સૂત્રો દ્વારા માહિતી મળી છે.
સી.આઈ.ડી ક્રાઈમ દ્વારા જપ્ત કરાયેલા દસ્તાવેજોનો પણ અભ્યાસ કરવામાં આવશે. જેમાં સ્ટુડન્ટ વિઝા કે વિઝીટર વિઝામાં કોઈ ગેરરીતિ થઈ છે કે નહીં તેની તપાસ થશે..વિઝા માટે ડૂપ્લિકેટ ડોક્યુમેન્ટ્સ બનાવી છેતરપિંડી કરવામાં આવતી હોવાની માહિતીના આધારે સીઆઇડી ક્રાઇમની 17 ટીમોએ રાજ્યવ્યાપી દરોડા પાડયા હતા. વડોદરાના ગેંડા સર્કલ પાસે આવેલી ઇમિગ્રેશનની ઓફિસમાં પણ સર્ચ કરવામાં આવી હતી. જેના પગલે ઉત્તેજના વ્યાપી હતી. ઓફિસમાંથી મળેલા દસ્તાવેજોની ચકાસણી ચાલી રહી છે.