Vadodara: વડોદરામાં સ્ટંટબાજો બેફામ બન્યા હતા. શહેરમાં કેટલાક નબીરાઓ કારમાં સ્ટંટ કરતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેને પગલે વડોદરા પોલીસે કાર્યવાહી કરી હતી. મળતી માહિતી અનુસાર, શહેરમાં બેફામ બનેલા નબીરાઓને કારમાં સ્ટંટ કરવા ભારે પડ્યા હતા. જોખમી રીતે કાર બેફામ ચલાવનારા પાંચ આરોપીઓની પોલીસે અટકાયત કરી હતી. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી.
પોલીસે વીડિયોના આધારે પાંચેય શખ્સની ઓળખ કરી લીધી અને તેઓની અટકાયત કરાઇ હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો પાંચ પૈકી ત્રણ આરોપીઓ સગીર હતા જ્યારે અન્ય બેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ઓમ પંડ્યા અને દીપ ત્રિવેદી નામના આરોપીની ધરપકડ કરી હતી. એટલું જ નહી આરોપીઓ ધાક જમાવવા માટે કારમાં એક્સ MLA લખેલું બોર્ડ રાખીને ફરતા હતાં. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ કાર માલિની દેસાઈના નામે છે. આવી કોઈ વ્યકિત પૂર્વ ધારાસભ્ય જ ન હોવાથી એક્સ MLAના બોર્ડનો ખોટા ઉપયોગની કલમ પણ ઉમેરવામાં આવી હતી. વીડિયોમાં દેખાતી અન્ય કારની પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
કાર માલિની દેસાઈનો ભત્રીજો ઓમ પંડ્યા ચલાવતો હતો. માલિની દેસાઈ કે ઓમ પંડ્યાના પરિવારમાં કોઈ ધારાસભ્ય જ નથી. રોફ જમાવવા માટે એક્સ MLAનું બોર્ડ લગાવીને ફરતા હતા. એક્સ MLAના બોર્ડનો ખોટો ઉપયોગ કરવા મામલે પણ કલમ ઉમેરવામાં આવી હતી. વીડિયોમાં દેખાતી અન્ય કારની પણ તપાસ કરવામાં આવી રહી છે. બંન્ને આરોપીઓ કોલેજમાં અભ્યાસ કરે છે. બંન્ને સામે અગાઉ કોઇ ગુનો નોંધાયો નથી.
નોંધનીય છે કે આ મહિનાની શરૂઆતમાં પણ સુરતના સરથાણામાં જીપના બોનેટ પર ચઢી સ્ટંટ કરનારા બે સગીરની પોલીસે અટકાયત કરી હતી. શહેરના સરથાણા વિસ્તારમાં જીપના બોનેટ પર ચડી સગીરે સ્ટંટ કરીને જીવ જોખમમાં મુક્યો હતો. ત્રણ મહિના પહેલાનો આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે સ્ટંટબાજ સગીરોની અટકાયત કરી હતી.
સરથાણામાં નવજીવન હોટલ પાસે પેન્ટા સ્કાય બિલ્ડિંગ પાસે એક જીપના બોનેટ પર ચઢી એક સગીર સ્ટંટ કરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જીપના બોનેટ પર સગીર ચલાવતો હતો. પોલીસે જીપ માલિક અને સ્ટંટ બાજની અટકાયત કરી હતી.