Vadodara: વડોદરામાં પૂર્વ રણજી ક્રિકેટર જસ્મીન નાયકનું હાર્ટ અટેકના કારણે નિધન થયું હતું. મળતી જાણકારી અનુસાર, બુધવારે 67 વર્ષીય જસ્મીન નાયકનું હાર્ટ અટેકથી નિધન થયું હતું. જસ્મીન નાયક બરોડા ક્રિકેટ એસોસિયેશન (બીસીએ)ના અંડર-16 અને અંડર-19 ટીમના સિલેક્ટર હતા.
તેમણે ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણ, હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાને કોચિંગ આપ્યું હતું. વડોદરા શહેરના પંચામૃત ફ્લેટમાં રહેતા પૂર્વ રણજી ક્રિકેટર જસ્મીન નાયકને હાર્ટ એટેક આવ્યો અને તેમનું મૃત્યું થયું હતું. જેને પગલે તેમના ઘરે પૂર્વ ક્રિકેટરો પહોંચ્યા હતા. ખાસવાડી સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જસ્મીન નાયકે બે ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી જેમાં તેમણે 21 રન ફટકાર્યા હતા અને બે વિકેટ ઝડપી હતી. તેમનો જન્મ 21 ઓગસ્ટ 1956ના રોજ મહારાષ્ટ્રના વિરારમાં થયો હતો.
તાજેતરમાં જ દત્તાજીરાવ ગાયકવાડનું થયું હતું નિધન
ભારતના પૂર્વ કેપ્ટન દત્તાજીરાવ ગાયકવાડનું મંગળવાર 13 ફેબ્રુઆરી 2024 ના રોજ 95 વર્ષની વયે નિધન થયું હતું. તેઓ ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન અને રાષ્ટ્રીય કોચ અંશુમાન ગાયકવાડના પરિવારના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 12 દિવસથી બરોડાની એક હોસ્પિટલના આઈસીયુમાં દાખલ હતા. મંગળવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. દત્તાજીરાવ ગાયકવાડે 1952 થી 1961 વચ્ચે ભારત માટે 11 ટેસ્ટ રમી હતી. તેમણે 1959 માં ઈંગ્લેન્ડ પ્રવાસમાં ટીમની કેપ્ટનશિપ પણ કરી હતી. તેમણે 1952માં લીડ્સ ખાતે ઈંગ્લેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું. તેમની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 1961 માં ચેન્નઈમાં પાકિસ્તાન સામે હતી.
દત્તાજીરાવ ગાયકવાડે બરોડા ટીમ તરફથી 1947 થી 1961 દરમિયાન રણજી ટ્રોફી રમી હતી. જેમાં તેમણે 14 સદીની મદદથી 3139 રન ફટકાર્યા હતા. તેમનો સર્વોચ્ચ સ્કોર અણનમ 249 રન હતો.