વડોદરા: દેશનાં વધુ 27 સ્માર્ટ સિટીની યાદીમાં વડોદરાને સ્થાન આપવામાં આવ્યું છે. વડોદરાને સ્માર્ટ સિટીમાં સ્થાન અપાવવા માટે વિશ્વામિત્રી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ્સ અને સ્લમ ફ્રી સિટી પ્રોજેક્ટ્સ તારણહાર સાબિત થયા હતા. ત્રીજા તબક્કામાં સ્માર્ટ સિટીની યાદીમાં સ્થાન મેળવવા માટે છેલ્લી ઘડી સુધી પ્રોજેક્ટ્સમાં ફેરફાર કરાયા હતા. જેમાં રૂા.1300 કરોડના વિશ્વામિત્રી રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં સુધારાવધારા સૂચવાયા હતા. અંતિમ ક્ષણોમાં કન્સ્ટ્રક્શન કર્યા વગર અને ઇકોલોજીને જાળવીને વિશ્વામિત્રી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
બીજા રાઉન્ડમાં 27 શહેરોના નામની જાહેરાત થઇ છે. પ્રથમ ચરણમાં અમદાવાદ અને સુરતને સ્માર્ટ સીટી માં સ્થાન મળી ચૂક્યું છે.વડોદરામાં હવે 2000 કરોડના 35 પ્રોજેક્ટ બનાવાશે.
તેવી જ રીતે, વડોદરામાં આગામી પાંચ વર્ષમાં 10 હજાર આવાસો બાંધવામાં આવશે. ત્યારે શહેરને સ્લમ ફ્રી સિટીના પ્રોજેક્ટ્સનો સમાવેશ સ્માર્ટ સિટી માટેના પ્રોજેક્ટમાં કરાયો હતો. મ્યુનિસીપલ કમિશનર ડો.વિનોદ રાવે જણાવ્યું હતું કે સ્માર્ટ સિટીના સંચાલન વહીવટ માટે હવે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ એટલે કે અલાયદી કંપનીની રચના કરાશે. જેના સીઇઓ તરીકે આઇઆઇટી કે આઇઆઇએમના તજજ્ઞની નિમણૂંક કરાશે. મેયરે સ્માર્ટ સિટીના સમાવેશમાં તંત્ર જેટલો ફાળો નાગરિકોનો પણ ગણાવ્યો હતો.
સ્માર્ટ સિટીમાં વડોદરા સહિત દેશભરના 98 હેરોની પસંદગી થઇ હતી અને ગ્રાન્ટ ફાળવણી માટેની પ્રથમ 20 સિટીની યાદીમાં વડોદરા 81માં સ્થાને ધકેલાયેલુ હતુ. આ સમયે રાજકોટનો 37મો,દાહોદનો 48મો અને ગાંધીનગરનો 72મો ક્રમાંક હતો. વડોદરા કરતા આ ત્રણેય શહેરોના પ્રોજેક્ટસ કેન્દ્ર સરકારને વધુ સ્માર્ટ લાગ્યા હતા. પરંતુ, ત્રીજા રાઉન્ડમાં વડોદરાએ કેન્દ્ર સરકારે જાહેર કરેલી 27 સિટીની યાદીમાં સ્થાન મેળવ્યું છે.