Vadodara : વડોદરામાં મીરા સોલંકી હત્યા કેસમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. વડોદરાના તિલકવાડામાં તઃયેલી મીરા સોલંકીની હત્યાના આ કેસમાં પાંચ દિવસ બાદ સંદિગ્ધ આરોપી સંદીપ મકવાણા ઝડપાયો છે. તિલકવાડા પોલીસ અને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે વાઘોડિયા ખાતેથી સંદીપને પકડી પાડયો છે. સંદીપ પકડાતા હત્યા કોણે અને કેમ કરી તેના રહસ્ય પરથી પરદો ઊંચકાશે. પોલીસને પ્રેમ પ્રકરણમાં મીરાની હત્યા કરાઈ હોવાની આશંકા છે.
ત્રણ દિવસ પહેલા મળ્યો હતો મીરાનો મૃતદેહ
વડોદરામાં તૃષા સોલંકીની હત્યા બાદ મીરા સોલંકીની હત્યા થતા ચકચાર મચી જવા પામી છે. ત્રણ દિવસ પહેલા મીરા સોલંકીનો મૃતદેહ મળી આવ્યો હતો. નર્મદા જિલ્લાના તિલકવાડાના એક ખેતરમાંથી મીરા સોલંકીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે હત્યાનો કેસ નોંધી આગળની તાપસ હાથ ધરી હતી. મીરાની હત્યામાં તેના કથિત પ્રેમી સંદીપની સંડોવણી હોવાનું કહેવામાં આવી રહ્યું હતું, કારણ કે ઘટના બાદથી સંદીપ ગાયબ થઇ ગયો હતો.
ચિંતા ન કરશો, હું સંદીપ સાથે છું : મીરાનો છેલ્લો મેસેજ
મીરા બે દિવસ પહેલા પોતાના ઘરેથી નીકળી હતી પરંતુ તે ઘરે પરત ન ફરતાં પિતા નિલેશભાઈએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં દીકરી ગુમ થઈ હોવાની જાણ કરી હતી.મીરાએ પિતરાઈ બહેનને વોટ્સએપ પર એક મેસેજ કર્યો હતો. જેમાં તેણે લખ્યું હતું કે, હું સંદીપ સાથે છું, ચિંતા ન કરશો. હું રવિવારે સાંજ સુધીમાં ઘરે પરત આવી જઈશ. જો કે ત્યારબાદમાં મીરાનો મૃતદેહ મળ્યાંના સમાચાર આવતા પરિવાર ભાંગી પડ્યો હતો.
પ્રેમ પ્રકરણમાં હત્યાની આશંકા
પોલીસને પ્રેમ પ્રકરણમાં મીરાની હત્યા કરાઈ હોવાની આશંકા છે. મીરાના છેલ્લા મેસેજમાં રીતે સંદીપ સાથે હોવાનું કહ્યું હતું. જો કે મીરાનો મૃતદેહ મળ્યાના પાંચ દિવસ બાદ સંદીપ મકવાણા ઝડપાઇ ગયો છે. સંદીપ પકડાતા હવે મીરા સોંલકી હત્યા કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થવાની પૂરી શક્યતા છે.