વડોદરા: ભારતીય જનતા પાર્ટીના નેતા અને વડોદરાથી સાંસદ રંજન બેન ભટ્ટ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. સાંસદ રંજનબેન ભટ્ટે ફેસબૂક પર પોસ્ટ કરી માહિતી આપી છે.  રંજનબેન ભટ્ટ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા છે. 



વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ કોરોના સંક્રમિત થયા છે. પ્રાથમિક લક્ષણો જણાતા ગઈકાલે સાંસદે RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો. હાલ તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. સાંસદ રંજનબેન ભટ્ટએ  ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી છે. ટ્વિટમાં તેમણે લખ્યું છે કે મને પ્રાથમિક લક્ષણો જણાતા ગઈકાલે મેં RT-PCR ટેસ્ટ કરાવ્યો જે આજરોજ પોઝીટીવ આવેલ છે. જે માટે હું સાવચેતી ના ભાગરૂપે હોસ્પિટલ માં દાખલ થયેલ છું.  તેથી મારી સાથે ગત દિવસોમાં સંપર્કમાં આવેલ દરેક ને વિનંતિ છે કે તેઓ પોતાનો ટેસ્ટ કરાવે. મહત્વનું છે કે થોડા સમય પહેલા જ વડોદરામાં મોટી ભીડ થઈ હતી તે કાર્યક્રમ શિવજી કી સવારીમાં પણ રંજનબેન ઉપસ્થિત રહ્યા હતા.


વડોદરામાં વધતા સંક્રમણ મુદ્દે આજે શહેરના મેયર કેયુર રોકડીયા ગોત્રી ખાતે આવેલ કોવિડ કેર સેન્ટર ખાતે પહોંચ્યા હતા અને પોઝિટિવ દર્દીઓ સાથે મુલાકાત કરી તેમના ખબર અંતર પૂછ્યા હતા જે બાદ ડોકટર અને સ્ટાફ સાથે દર્દીઓ અને હોસ્પિટલની પરિસ્થિતિ અને સેવા મેડિકલ સ્ટાફની જરૂરિયાત અને કામગીરી ની સમીક્ષા કરી હતી.


નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 1415 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ચાર  લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે.  ગઈકાલે રાજ્યમાં 948 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,73,280 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.27  ટકા પર પહોંચ્યો છે. હાલ 6147  એક્ટિવ કેસ છે, જેમાંથી 67   લોકો વેન્ટિલેટર પર અને 6080 લોકો સ્ટેબલ છે.



ગઈકાલે નોંધાયેલ અમદાવાદ કોર્પોરેશનમાં 1,  રાજકોટ કોર્પોરેશનમાં 1,   સુરત કોર્પોરેશનમાં 1 અને સુરેન્દ્રનગરમાં 1 દર્દીનું મૃત્યુ થયું હતું.  રાજ્યમાં અત્યાર સુધી કુલ 4437 લોકોના કોરોનાથી મોત થયા છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1415  કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ચાર  લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે.