Vadodara News: આયોધ્યા જતા વડોદરાના 67 વર્ષીય રમણભાઈ પાટણવાડિયા નામના વૃદ્ધનું હાર્ટ એટેક થી મોત થયું હતું. જેને લઈ સાથી શ્રદ્ધાળુઓમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મૃતક વડોદરા નજીકના પોર ગામ પાસે આવેલ સુંદરપુરા ગામના વતની હતા. મધ્યપ્રદેશના ખંડવા સ્ટેશન પાસે હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ ટ્રેનમાં યાત્રીઓએ સીપીઆર આપી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. હોસ્પિટલમાં લઈ જતા સારવાર મળે તે પહેલાં મોત નિપજ્યું હતું.
અયોધ્યા ખાતે નવનિર્મિત રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભગવાન શ્રી રામજીના દર્શન માટે દેશભરમાંથી શ્રદ્ધાળુઓને લઈ જવા માટે ખાસ આસ્થા ટ્રેન શરૂ કરવામાં આવી છે. વડોદરાથી પણ શુક્રવારે બપોરે 1320 શ્રદ્ધાળુઓને લઈને આસ્થા ટ્રેન અયોધ્યા જવા રવાના થઈ હતી. આ ટ્રેનમાં સુંદરપુરા ગામના 67 વર્ષના રમણભાઈ બાબુભાઈ પાટણવાડીયા પણ સવાર હતા. તેઓને શુક્રવારે રાત્રે છાતીમાં દુખાવો થતાં ગભરામણ થવા લાગી હતી.
દરમિયાન આ ટ્રેનમાં સાથે જઈ રહેલા યાત્રાના ઇન્ચાર્જ અને વડોદરાના પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરેને જાણ થતા તેઓએ રમણભાઈને સીપીઆર આપ્યું હતું જેના થકી રમણભાઈને સારું લાગ્યું હતું. દરમિયાન ટ્રેન મધ્યપ્રદેશના ખંડવા સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેનને ત્યાં રોકી દેવામાં આવી હતી અને રમણભાઈને ત્યાં ઉતારી અને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું મૃત્યુ થયું હતું.
હાર્ટ એટેક શું છે
હાર્ટ સ્પેશિયાલિસ્ટના મતે હાર્ટ એટેકની સ્થિતિને 'મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન' કહેવામાં આવે છે. આ એવી સ્થિતિ છે જ્યારે હૃદયના કોઈ ભાગમાં લોહીનો પુરવઠો બંધ થઈ જાય છે અને તેના કારણે ત્યાં લાંબા સમય સુધી લોહી અને ઓક્સિજન પહોંચી શકતું નથી. જેના કારણે તે કામ કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિનું મૃત્યુ થાય છે. હાર્ટ એટેકનું મુખ્ય કારણ સામાન્ય રીતે લોહીના ગંઠાવાનું સંચય છે. જેને બ્લડ ક્લોટિંગ પણ કહેવાય છે, જે ધમનીઓમાં ચરબી જમા થવાને કારણે થાય છે.
યુવાનોના હૃદય કેમ આટલા નબળા થઈ રહ્યા છે?
આજકાલ, એવા ઘણા કિસ્સાઓ છે જ્યારે જીમમાં વર્કઆઉટ અથવા ડાન્સ કરતી વખતે યુવાનોને હાર્ટ એટેક આવે છે. આ અંગે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે આજકાલ અજાણ્યા હૃદયરોગ, કોઈ યોગ્ય તાલીમ વિના વધુ પડતી અને ભારે કસરત, ડીહાઈડ્રેશન અને વધુ પડતા ઉત્તેજક અથવા કેફીનનું સેવન યુવાનોના હૃદયને નબળું પાડી રહ્યું છે અને તેમનામાં હાર્ટ એટેકની બીમારીઓ વધી રહી છે.