Vadodara News:  કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારામન અને આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસના રાજીનામાની માગણી કરીને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેલ મોકલવાના સંબંધમાં મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ગુજરાતના વડોદરાથી ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી.  મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે આદિલ નામના શખ્સના ફોનમાંથી ધમકી ભર્યો મેઇલ થયો હોવાનો ખુલાસો કર્યો હતો. પોલીસે રણુંના રહેવાસી આદિલ, તાંદલજાના વસીમ અને પાણીગેટના આર્શીલની ધરપકડ કરી હતી.


એક રિપોર્ટ અનુસાર, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને મંગળવારે ધમકીભર્યો ઇમેઇલ મળ્યો હતો. RBI, HDFC બેન્ક સહિત 11 સ્થળો પર બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હતી. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને વડોદરા જિલ્લાના પાદરામાંથી એક શખ્સ તેમજ શહેરના પાણીગેટ વિસ્તારમાંથી બે શખ્સની ધરપકડ કરી હતી.


પોલીસની પૂછપરછમાં આરોપીઓએ દાવો કર્યો હતો કે તેમણે માત્ર મસ્તી ખાતર આવો ઈમેઈલ કર્યો હતો. જોકે, આવું કરવા માટે તેમણે બોગસ દસ્તાવેજોની મદદથી સીમકાર્ડ મેળવી ઈમેઈલ એકાઉન્ટ ક્રિએટ કરી ઈમેઈલ કર્યો હોવાથી તેમને ત્રણેયને મુંબઈ લાવી આકરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.


આ સમગ્ર કેસમાં મુખ્ય આરોપી ૨૭ વર્ષનો મોહમ્મદ આર્શીલ તુપાલા છે. તે બીબીએ થયેલો છે અને શેરબજારનું કામ કરે છે. તેના મોબાઈલ પર જ ખિલાફત ઈન્ડિયાના નામે ઈમેઈલ આઈડી ક્રિએટ કરી ઈમેઈલ કરવામાં આવ્યો હતો. આ કામમાં વસીમ મેમણે સાથ આપ્યો હતો. વસીમ આર્શીલનો સાળો છે. તેમની સાથે તેમનો મિત્ર આદિલ મલીક પણ જોડાયો હતો. મલિકે જ બોગસ દસ્તાવેજોની મદદથી સીમ કાર્ડ મેળવ્યું હતું તે તેણે વસીમને આપ્યું હતું અને વસીમે આર્શીલને આપ્યુ હતું.


નોંધનીય છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને ધમકીભર્યો મેઇલ કરવામાં આવ્યો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે આરબીઆઇ,  એચડીએફસી બેન્ક અને આઇસીઆઇસીઆઇ બેન્કમાં બોમ્બ લગાવવામાં આવ્યા છે. મેઇલમાં RBI ગવર્નર શક્તિકાંત દાસ અને કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ કરવામાં આવી હતી.