Vadodara News:  વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજમાં એડમિશનના નામે ગાંધીધામના વિદ્યાર્થી પાસે 65 લાખ પડાવ્યા હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, શહેરની ગોત્રીની  જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને કચ્છના એક યુવક પાસેથી 65 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. ભેજાબાજોએ કચ્છ ગાંધીધામના વેપારીના પુત્રના એડમિશન માટે ગોત્રી મેડિકલ કોલેજની બોગસ રસીદ પણ આપી હતી. આ મામલે યુવકના પિતાએ બોરસદ અને વડોદરાના ભેજાબાજો સામે ગોરવા પોલીસ મથકે ફરિયાદ નોંધી હતી.


પોલીસે શરૂ કરી તપાસ


મળતી માહિતી અનુસાર, કચ્છ ગાંધીધામના મંગલ સ્મૃતિ ટેનામેન્ટમાં રહેતા રમેશભાઈ હરજીભાઈ મકવાણાએ કોલેજમાં એડમિશન અપાવના નામે 65 લાખ રૂપિયા પડાવનારા  આરોપી નીરવકુમાર સોની, શ્રેય દેસાઈ અને તેના પિતા ગોવિંદભાઈ દેસાઈ અને હિમાંશુ પૂજાભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.


પોતાની ફરિયાદમાં રમેશભાઇએ કહ્યુ હતું કે તેમણે ધોરણ 12 સાયન્સમાં પાસ કરનારા તેમના પુત્ર નિકુંજનું ગોત્રી મેડિકલ કોલેજમાં એડમિશન લેવાના નામે આરોપીઓને 65 લાખ ચૂકવ્યા હતા. તેમણે કહ્યું હતું કે હું અમદાવાદ ગયો ત્યારે નિરવ સોની સાથે મારો પરિચય થયો હતો. નિરવે મારા પુત્રને ગોત્રી મેડિકલ કોલેજમાં એડમિશન આપવા માટે ખાતરી આપી હતી.ત્યારબાદ ઓક્ટોબર-૨૦૨૨માં મને અને મારા પુત્રને ગોત્રી મેડિકલ કોલેજ ખાતે બોલાવ્યા હતા.


આરોપીઓએ ફી ભર્યાની રિસિપ્ટ આપી


બાદમાં નીરવે શ્રેય દેસાઇ અને હિમાંશુ પટેલની ગોત્રીના ડોક્ટર તરીકે ઓળખાણ કરાવી હતી. શ્રેયના પિતા પ્રિન્સિપાલ હોવાથી તેની ઓળખાણ સારી છે તેમ કહી ૬૫ લાખ રૂપિયામાં એડમિશન નક્કી કર્યું હતું. ત્યારબાદ મે નીરવના ખાતામાં 10 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં મે આરોપીઓને લાવેલા 55 લાખ રૂપિયા ચૂકવ્યા હતા પરંતુ બાદમાં તેઓએ એડમિશનના નામે યોગ્ય જવાબ આપતા નહોતા અને રૂપિયા પણ પરત આપ્યા નહોતા. ગોરવા પોલીસે આ અંગે નિરવ સોની, શ્રેય દેસાઇ,ગોવિંદ દેસાઇ અને હિમાંશુ પટેલ સામે ગુનો નોંધ્યો છે.


વધુમાં રમેશભાઇએ કહ્યું કે  શ્રેય દેસાઇએ મને કહેતો હતો કે તેના પિતા ગોવિંદભાઇ દેસાઇ સ્કૂલમાં પ્રિન્સિપાલ છે તેની સારી ઓળખાણ છે.  આરોપીઓએ 4.5 લાખ રૂપિયા ફી ભર્યાં અંગેની રિસીપ્ટ આપી હતી. જેથી રમેશ મકવાણાને વિશ્વાસ આવી ગયો હતો. બાદમાં 23 ફેબ્રુઆરીએ રમેશભાઇ, તેમના મિત્ર અને દીકરો ગોત્રી મેડિકલ કોલેજમાં ગયા હતા. પ્રોસેસનું સર્વર બંધ હોવાનું કહી આખો દિવસ રાહ જોવડાવી હતી.  ​​​​​​​મારા દીકરાનું એડમિશન ન થતાં મે રૂપિયા પાછા માંગ્યા પરંતુ તેઓએ આપવાની ના પાડી હતી. જેથી આ મામલે  નીરવ સોની, શ્રેય દેસાઇ, ગોવિંદ દેસાઇ અને હિંમાશુ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે.