Vadodara News: ઝેરીલા સિરપનું વડોદરા કનેકશન સામે આવ્યું છે. યોગેશ સિંધીએ વડોદરાથી સિરપ ખરીદ્યું હતું. વડોદરામાં જે વ્યક્તિ પાસેથી સિરપ ખરીદ્યું હતું તેની પણ તપાસ શરૂ છે. ખેડા એસપી રાજેશ ગઢીયાએ ઝેરીલા સિરપથી 5 લોકાનાં મોતની પુષ્ટી કરી છે. તેમણે જે પણ લોકોને આ સિરપની અસર હોય તેમને સિવિલનો સંપર્ક સાધવા અપીલ કરી હતી. કરિયાણાની દુકાન પાસેથી મળેલી સિરપની ખાલી બોટલોના સેમ્પલ FSLમા મોકલવામાં આવ્યા છે. સિરપ મોકલનારા વડોદરાના બે લોકો પર અગાઉ રાજકોટમાં ફરિયાદ નોંધાઇ ચુકી છે. કિશોર અને ઇશ્વર નામના બે વ્યક્તિઓ કરિયાણાની દુકાનમાં સિરપ વેચતા હતા. આ કેસમાં નિતિન કોટવાણી નામના સિરપ માફીયા સહિત પાંચ સામે ગુનો પણ નોંધાયો છે...
નડિયાદ જિલ્લાના ખેડાના ગ્રામીણ વિસ્તારના ઝહરીલા સિરપકાંડનો રેલો હવે બિલોદરાથી વડોદરા સુધી પહોંચ્યો છે. પાંચ મૃતક પૈકી ચારના પીએમ વગર જ અંતિમસંસ્કાર થઈ ગયા હતા, જોકે પાંચમા મૃતક નટુભાઈ સોઢાનું પોલીસે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવ્યું હતું. તેના પીએમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ મિથાઇલ આલ્કોહોલ અને પોઇઝનિંગના કારણે થયું હોવાનું સ્પષ્ટ હતું, જેથી પોલીસે ઘટનાના ચોથા દિવસે નડિયાદના ત્રણ અને વડોદરાના બે મળી કુલ પાંચ શખસ સામે ગુનો નોંધ્યો છે.
સિરપ કાંડના ગંભીર ઘટના મુદ્દે આખરે શુક્રવારે મોડી સાંજે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં પ્રથમ નંબર પર આરોપી તરીકે યોગેશ પારુમલ સિંધી, નારાયણ ઉર્ફે કિશોર સોઢા (ભાજપ પૂર્વ કોષાધ્યક્ષ), ઈશ્વર સોઢા, નીતિન કોટવાણી (રહે. વડોદરા) અને ભાવેશ સેવકાણી (રહે. વડોદરા) વિરુદ્ધ ગુનો નોંધાયા છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ બેદરકારી દાખવવા અને લોકોનાં મોત નિપજાવવાની કલમો ઉમેરી છે. ઉલ્લેખનીય છે કે વડોદરાનો નીતિની કોટવાણી કેમિકલના વેપલામાં કુખ્યાત છે. અગાઉ નકલી સેનેટાઈઝર સહિતના પ્રકરણોમાં તેની ધરપકડ કરાઈ હતી.
પોલીસે પાંચ સામે ગુના નોંધ્યા છે, જેમાં ત્રણ આરોપીને અગાઉથી જ રાઉન્ડઅપ કરેલા છે, જોકે બે આરોપીઓ હજી ફરાર છે. રાઉન્ડઅપ કરેલા ત્રણ આરોપીએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે બિલોદરા ગામમાં શંકાસ્પદ મોત થતાં અમે બાકી વધેલી બોટલો નદીના પાણીમાં ઠાલવી દીધી હતી. આ ઉપરાંત અન્ય બોટલોને પણ વીણા ગામની સીમમાં આવેલા ગોડાઉન નજીક બાળી દીધી હતી.
સિરપની બોટલ પર લેબલ પણ ખોટું
પોલીસની તપાસમાં બોટલ પર લગાવેલું કાલ મેઘાસ નામનું ખોટું લેબલ હતું, જ્યારે એમાં બતાવેલા અમદાવાદના સરનામે પોલીસે તપાસ કરતાં આવી ઓફિસ ન હોવાનું ખૂલ્યું હતું. ત્યારે આ આયુર્વેવેદિક સિરપની બોટલો ક્યાંથી આવી એ દિશામાં પોલીસે હાલ તપાસ સાધી છે.