Vadodara : વડોદરામાં  ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનમાં ખાનગી કંપનીએ કરેલા કરોડોના કૌભાંડ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે.  વડોદરામાં  ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કરતી ખાનગી કંપનીએ કરોડોનું  કૌભાંડ કર્યાનો ભાજપના જ કોર્પોરેટરે આરોપ લગાવ્યો હતો.  વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનના વોર્ડ નંબર-15ના ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ આરોપ લગાવ્યો હતો  કે શહેરમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કરતી CDC કંપનીએ 50 કરોડનું કૌભાંડ કર્યું છે. હવે આ મામલે વડોદરા મહાનગરપાલિકાએ મોટી કાર્યવાહી કરી છે. 


VMCએ બે કંપનીને કુલ 3 કરોડ જેટલો દંડ ફટકાર્યો 
વડોદરામાં  ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કૌભાંડમાં VMCએ મપતિઓ કાર્યવાહી કરી છે. આ કૌભાંડમાં VMCએ બે કંપનીને કુલ 3 કરોડ જેટલો દંડ ફટકાર્યો  છે.  VMCએ સીડીસી કંપનીને રૂ.40,40,800 અને ઓમ સ્વચ્છતા કોર્પોરેશનને રૂ.2,29,31,400નો દંડ ફટકાર્યો છે અને સાથે નોટિસ પણ ફટકારી છે. 


મે મહિનના મિસીંગ પોઇન્ટ ડેટાના આધારે કાર્યવાહી 
વડોદરા મહાનગરપાલિકાએ મે મહિનના મિસીંગ પોઇન્ટ ડેટાના આધારે આ કાર્યવાહી કરી છે. પુર્વ વિસ્તારની એજન્સી સીડીસીના એક મહીનામાં 6537 પોઇન્ટ મિસીંગ હતા અને પશ્ચિમ વિસ્તારની એજન્સી ઓમ સ્વચ્છતા કોર્પોરેશનના 38,219 પોઇન્ટ મિસીંગ હતા.
 મિસીંગ પોઇન્ટનો અર્થ એ છે કે નક્કી કરેલા પોઇન્ટ માંથી આટલા પોઇન્ટ પર આ એજેન્સીઓએ કચરો ઉપાડ્યો જ નથી.  દંડની આ રકમ મે મહિનના મિસીંગ પોઇન્ટ ડેટાના આધારે નક્કી કરવામાં આવી છે. 


કોર્પોરેટરે કેવી રીતે પકડ્યું હતું કૌભાંડ ?
ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કરતી CDC કંપની દ્વારા શહેરભરના 1200 ગાડીઓ દ્વારા કચરાનું કલેક્શન કરવામાં આવે છે. જેમાં વડોદરા  શહેરના પૂર્વ ઝોનમાં 65 ગાડીઓ કચરો કલેક્ટ કરે છે. એક ગાડીને 70 પોઇન્ટ પરથી કચરો કલેક્ટ કરવાનો હોય છે. પણ આ કૌભાંડમાં ગાડીઓ કચરો ઉઠાવવા ગઈ ન હોય છતાં પેમેન્ટ લઇ લેવામાં આવતું હતું.  


ભાજપ કોર્પોરેટર આશિષ જોશીએ છેલ્લા  3 થી 4 મહિના ડોર ટુ ડોર કલેક્શન કરતી ગાડીઓની સતત માહિતી મેળવી, ઉપરાંત CDC કંપનીને કેટલા નાણાં ચૂકવાયા અને કેટલો દંડ કર્યો તેની માહિતી મળવી  આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.