Vadodara fatal accident news: વડોદરા શહેર નજીક પોર ગામ પાસે આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 4 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે પાંચ અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટના સુરતના એક પરિવાર સાથે બની હતી, જેઓ પાવાગઢથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.


પોલીસના જણાવ્યા અનુસાર, સુરતના ડિંડોલીમાં રહેતો અને મૂળ મહેસાણાનો પરિવાર પોતાની અર્ટિગા કારમાં પાવાગઢથી વડોદરા તરફ આવી રહ્યો હતો. દરમિયાન, પોર નજીક કાર અચાનક હાઈવે પરથી નીચે ઉતરી ગઈ અને એક ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણ લોકોના ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયા હતા.


અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ મૃતકોને કારમાંથી બહાર કાઢ્યા હતા. મૃતકોને બહાર કાઢવા માટે ફાયર કટરનો ઉપયોગ કરવો પડ્યો હતો.


આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા પાંચ લોકોને તાત્કાલિક સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્તો પૈકી કેટલાક દર્દીઓને વધુ સારવાર માટે શહેરની મકરપુરા હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવી રહ્યા છે.


પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. ઇજાગ્રસ્તોની ઓળખ વિનય જગદીશભાઈ પટેલ (ઉ.વ. 32), ચિરાગ સુરેશભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, ધ્રુવ ધર્મેશભાઈ પટેલ અને નિરંજન જગદીશભાઈ પટેલ તરીકે થઈ છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.


નોંધનીય છે કે, વર્ષ 2024 માં ગુજરાતમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો, જેમાં 1.62 લાખથી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી અને તેઓને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ આંકડો વર્ષ 2023ની સરખામણીમાં 5.10% નો વધારો દર્શાવતો હતો, જ્યારે 2023 માં રાજ્યમાં 1.55 લાખથી વધુ લોકો માર્ગ અકસ્માતોમાં ઘાયલ થયા હતા.


તે વર્ષે રાજ્યમાં સરેરાશ દર કલાકે 19 લોકો માર્ગ અકસ્માતોમાં ઘાયલ થયા હોવાનું નોંધાયું હતું. વર્ષના પ્રથમ છ મહિના એટલે કે જાન્યુઆરીથી જૂન વચ્ચે 81,305 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે જુલાઈથી ડિસેમ્બર દરમિયાન આ સંખ્યા વધીને 81,649 થઈ હતી. વર્ષ 2023 ના સમાન સમયગાળા સાથે સરખામણી કરીએ તો, જાન્યુઆરીથી જૂન સુધીમાં 81,192 લોકો ઘાયલ થયા હતા, જે 2024 માં થયેલા ચિંતાજનક વધારાને સ્પષ્ટપણે દર્શાવતું હતું.


EMRI ઇમરજન્સી રિસ્પોન્સના ડેટા અનુસાર, માર્ગ અકસ્માતોમાં ઇજા પામેલા લોકોને સારવારની જરૂરિયાત માટે અમદાવાદ જિલ્લો રાજ્યમાં ટોચ પર રહ્યો હતો. વર્ષ 2024 માં અમદાવાદમાં 27,515 લોકો માર્ગ અકસ્માતોમાં ઘાયલ થયા હતા, જેનો અર્થ એ હતો કે દરરોજ સરેરાશ 76 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સમગ્ર રાજ્યમાં નોંધાયેલી માર્ગ અકસ્માતની ઇજાઓમાં 15% થી વધુ માત્ર અમદાવાદ જિલ્લામાં જ બની હતી.


સૌથી વધુ ઇજાઓ ધરાવતા જિલ્લાઓની યાદીમાં સુરત બીજા ક્રમે હતો, ત્યારબાદ વડોદરા, રાજકોટ અને ગાંધીનગરનો સમાવેશ થતો હતો. ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ વધારો ગીર સોમનાથ જિલ્લામાં નોંધાયો હતો, જ્યાં ઇજાઓના પ્રમાણમાં 14.93% નો વધારો થયો હતો. ગીર સોમનાથમાં 2023 માં 1,828 લોકો ઘાયલ થયા હતા, જે 2024 માં વધીને 2,101 થયા હતા. આ આંકડાઓ રાજ્યમાં માર્ગ સલામતીની સ્થિતિ અંગે ગંભીર ચિંતા ઊભી કરતા હતા.