વડોદરાઃ શહેરની 19 વર્ષીય યુવતીને હોટલમાં લઈ જઈને યુવકે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે યુવતીએ યુવક સામે પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે આ ગુનામાં બે યુવકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુવતીએ યુવકે મારી નાંખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ ફરિયાદમાં કર્યો છે. યુવતી સોશિયલ મીડિયા થકી યુવકના સંપર્કમાં આવી હતી. 


આ અંગેની વિગતો એવી છે કે, શહેરના સમતા વિસ્તારની યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે કે, અત્યારે તે ધોરણ-12નો અભ્યાસ કરી રહી છે. તેને સોશિયલ મીડિયા પર એક યુવકની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જે એક્સેપ્ટ કરી લીધી હતી. આ પછી બંને વચ્ચે વાતચીત થતી હતી. દરમિયાન યુવકે તેને રૂબરુ મળવા માટે બોલાવી હતી. જેથી બંને મળ્યા હતા. આ સમયે યુવકે તેને લાઈક કરતો હોવાનું કહ્યું હતું. જોકે, યુવતીએ તેની પ્રપોઝલ સ્વીકારી નહોતી. 


ગત 26મી ઓક્ટોબરે યુવતી પોતે બેંકર્સ હોસ્પિટલ ખાતે એચએટીનો કોર્સ કર્યો હોવાથી સર્ટીફિકેટ લેવા તેની મિત્ર સાથે આવી હતી. યુવતી બેન્કર્સ હોસ્પિટલના પાર્કિંગમાં ઊભી હતી, ત્યારે યુવકનો ફોન આવ્યો હતો અને યુવતી ક્યાં છે, તેમ પૂછી તેને મળવા બેન્કર્સ હોસ્પિટલ પહોંચી ગયો હતો. 


આ પછી યુવકે તેને પોતાની સાથે આવવા માટે કહ્યું હતું. જોકે, અહીં જ વાત કરવાનું કહેતા યુવકે અન્ય એક યુવકને બોલાવ્યો હતો. આ યુવક યુવતી સાથે જ સ્કૂલમાં ભણતો હોવાથી તેને ઓળખતો હતો. જેણે યુવતીને ધમકાવી હતી અને મારવાની ધમકી આપી પરાણે બાઇક પર બેસાડી દીધી હતી. આ પછી યુવક તેને અલકાપુરી ગરનાળા પાસે આવેલી એક હોટલમાં લઈ ગયો હતો. અહીંના રૂમમાં લઈ જઈ યુવકે યુવતી સાથે બળજબરી કરી હતી. તેમજ યુવતીની સંમતિ વગર પરાણે શરીરસુખ માણ્યું હતું.


આ પછી યુવક તેને બેન્કર્સ હોસ્પિટલ પાસે મૂકીને જતો રહ્યો હતો. આ અંગે યુવતીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. યુવકે બળાત્કાર ગુજાર્યા પછી આ અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી તે ડરી ગઈ હતી અને આ અંગે કોઈને વાત કરી નહોતી. જોકે, માતાએ ઉદાસ દીકરીની પૂછપરછ કરતાં સમગ્ર હકિકત જણાવી હતી. તેમજ આ પછી તેણે પોલીસ ફરિયાદ કરી હતી.