વડોદરાઃ કરજણથી પી.આઈ અજય દેસાઈના પત્ની સ્વીટી પટેલ ગુમ થવાના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. દહેજના અટાલી ગામથી મળેલા અસ્થિ યુવાન વયના માનવ શરીરના હોવાનો ઘટસ્ફોટ થયો છે. એફએસએલ રિપોર્ટમાં અસ્થિ માનવ શરીરના હોવાનુ ખુલ્યું છે. ત્યારે હવે સ્વીટી પટેલની હત્યા થઈ હોવાની આશંકા છે. ડીએનએ ટેસ્ટ માટે સ્વીટી પટેલના ભાઈ અને પુત્ર લાડના સેમ્પલ લેવામા આવ્યા છે. 


અગાઉ તપાસ અધિકારીએ પી.આઈ દેસાઈને કરજણ કોર્ટમાં હાજર કર્યા હતા. પી.આઈ અજય દેસાઈના પોલિગ્રાફ - નાર્કો ટેસ્ટ માટે પોલીસને કોર્ટે મંજૂરી આપી હતી. ગાંધીનગર ફોરેન્સિક વિભાગમાં બંને ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરાઈ છે. પી.આઈ દેસાઈનો 4 વાર સસ્પેક્ટ ડિટેક્સન સિસ્ટમ ટેસ્ટ કરાયો છે. દહેજથી 12 કિલોમીટર દૂર અટાલી ગામની સીમમાંથી બળેલા અસ્થિ મળ્યા હતા. અસ્થિનું સુરત સિવિલ હોસ્પિટલમાં એફ.એસ.એલ દ્વારા પી.એમ થશે. એફ.એસ.એલ.ના અહેવાલ બાદ પોલીસ ડીએનએ ટેસ્ટ કરાવશે. 36 દિવસથી ગુમ સ્વીટી પટેલ ન મળતા પી.આઈ શંકાના ઘેરામાં છે. 


પીઆઈ અજય દેસાઈના પત્ની સ્વીટી પટેલ છેલ્લા 36 દિવસથી ગુમ  છે, ત્યારે સ્વિટી પટેલની શોધખોળ દરમ્યાન પોલીસને દહેજ પાસેના અટાલી ગામ પાસેથી સળગેલા અસ્થી મળ્યા હતા. અસ્થિ જ્યાંથી મળ્યા તે વિસ્તારમાં જ અજય દેસાઈનુ મોબાઈલ લોકેશન જોવા મળ્યું હતું. 


સ્વીટી પટેલ ગુમ થયા તે દિવસનું લોકેશન દહેજ પાસે હોવાથી પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી હતી. પોલીસે  માનવ અસ્થિ હોવાની આશંકાને પગલે એફએસએલમાં તપાસ માટે મોકલવામા આવ્યા છે. જરૂર પડે પરિવારના સભ્યોના ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. પી.આઈ અજય દેસાઈ પર રહસ્ય ઘેરાઇ રહ્યું છે. 


નોંધનીય છે કે, વડોદરા જિલ્લા SOGના પીઆઇ એ.એ.દેસાઈનાં પત્નીના ગુમ થવાના ચકચારી પ્રકરણમાં પોલીસની ટીમો છેલ્લા 5 દિવસથી દહેજ પંથકમાં સર્ચ ઓપરેશન કરી રહી છે. દરમિયાન પોલીસને અટાલી ગામ નજીક 3 માળના અવાવરું મકાન અને તેની પાછળના ભાગમાંથી સળગેલી હાલતમાં કેટલાક હાડકાં મળ્યા હતા. જેને તપાસ માટે સુરત એફએસએલમાં તપાસ મોકલ્યા છે. 


કરજણની પ્રયોશા સોસાયટીમાં રહેતા સ્વીટી મહેન્દ્રભાઇ પટેલ(ઉં.વ.37) ગત 5 જૂનની રાત્રે 1 વાગ્યાથી સવારે 8:30 વાગ્યાના અરસામાં ઘર છોડીને જતાં રહ્યાં હતાં. સ્વીટી પટેલની ભાળ ન મળતાં વડોદરા જિલ્લા પોલીસે શોધખોળ શરૂ કરી હતી. વડોદરા જિલ્લા પોલીસ દહેજ અને તેની આસપાસનાં ગામોમાં છેલ્લા 5 દિવસથી સર્ચ ઓપરેશન કરી રહી છે.