વડોદરામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે.  વડોદરાના તરસાલીના પ્રિતિબેન ભટ્ટ કોરોના સંક્રમિત થાય છે. તેમનામાં કોરોનાના ગંભીર લક્ષણો જણાતા અને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થતાં આઇસીયૂમાં દાખલ કરવામાં આવ્યા છે. વડોદરામાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે વૂડના ટાઉન પ્લાનરને પણ કોરોના વાયરસે ઝપેટમાં લીધા છે. વૂડના ટાઉન પ્લાનર અને જુનિયર ટાઉન પ્લાનર કોરોના સંક્રમિત થયા છે. ઉપરાંત વડોદરા એરપોર્ટ ડાયરેક્ટર સહિત 10 કર્મચારીઓનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.


વડોદરામાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. વડોદરા કોર્પોરેશનમાં 139 કેસ નોંધાયા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 15નાં કોર્પોરેટર પૂનમબેન શાહ અને તેમનો પરિવાર કોરોનાથી સંક્રમિત થયો  છે. પૂનમ શાહ અને તેમના પતિ ગોપાલ શાહને કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પૂનમ શાહ સાથે અત્યારસુધી ભાજપના 8 કોર્પોરેટરને કોરોના થઈ ચૂક્યો છે.


ભાજપનાં મહિલા નેતા અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 18નાં ભાજપાના ભૂતપુર્વ કોર્પોરેટર શકુંતલાબેન શિંદેનું કોરોનાથી નિધન થયું છે. શકુંતલાબેન શિંદે  છેલ્લા એક સપ્તાહથી ગોત્રી હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ હતા. રવિવારે તેમનું મૃત્યુ થયું હતું. વડોદરામાં કોરોનાના કારણે રવિવારે કુલ સાત લોકોનાં મોત થયાં છે.


શકુંતલાબેન શિંદે ઉપરાંત સુભાનપુરાના 56 વર્ષના આધેડ, ગોરવાના 38 વર્ષના યુવક, મકરપુરાના 70 વર્ષના વૃધ્ધ, માંડવી વિસ્તારના 68 વર્ષના વૃધ્ધ મહિલા, ઓ.પી.રોડના 49 વર્ષના આધેડ અને તરસાલીના 72 વર્ષના વૃધ્ધ મહિલા મળીને ૭ દર્દીઓનાં મૃત્યુ થયા હતા. 


કોર્પોરેશનના આંકડા મુજબ શનિવારે શહેરમાં 108 પોઝિટિવ કેસ નોંધાયા હતા તો 110 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરીને રજા આપવામાં આવી હતી. બીજી તરફ તંત્ર દ્વારા કોરોનાથી એક મોત નોંધવામાં આવ્યુ હતુ જ્યારે બિનસત્તાવાર રીતે 7 મોત થયા હતા.