વડોદરાઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવ્યો છે અને તેમાં પણ ચાર મોટા શહેરોમાં તો કોરોનાના કેસો જોરદાર વધી રહ્યા છે. આ ચાર શહેરોમાં કોરોનાની બીજી લહેર આવી ગઈ છે અને તેનો ભોગદ વધુ ને વધુ લોકો બની રહ્યા છે. વડોદરા શહેરમાં પણ કોરોનાની બીજી લહેર વધુ ખતરનાક સાબિત થઇ રહી છે અને આ લહેરમાં ભાજપના મહિલા નેતા પણ ભોગ બન્યાં છે.
ભાજપનાં મહિલા નેતા અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 18નાં ભાજપાના ભૂતપુર્વ કોર્પોરેટર શકુંતલાબેન શિંદેનું કોરોનાથી નિધન થયું છે. શકુંતલાબેન શિંદે છેલ્લા એક સપ્તાહથી ગોત્રી હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ હતા. રવિવારે તેમનું મૃત્યુ થયું હતું. વડોદરામાં કોરોનાના કારણે રવિવારે કુલ સાત લોકોનાં મોત થયાં છે.
શકુંતલાબેન શિંદે ઉપરાંત સુભાનપુરાના 56 વર્ષના આધેડ, ગોરવાના 38 વર્ષના યુવક, મકરપુરાના 70 વર્ષના વૃધ્ધ, માંડવી વિસ્તારના 68 વર્ષના વૃધ્ધ મહિલા, ઓ.પી.રોડના 49 વર્ષના આધેડ અને તરસાલીના 72 વર્ષના વૃધ્ધ મહિલા મળીને ૭ દર્દીઓનાં મૃત્યુ થયા હતા.
રવિવારના રિપોર્ટ મુજબ હાલમાં સારવાર લઇ રહેલા 2980 દર્દીઓ પૈકી ઓક્સિજન અને આઇસીયુ દર્દીઓ 1720 એટલે કે 58% દર્દીઓ છે. આ આંકડા કોરોના કેટલો ઝડપથી ફેલાઇ રહ્યો છે અને કેટલો ગંભીર છે તે બતાવે છે. અત્યાર સુધી શહેરમાં 26,056 કેસો પોઝિટિવ નોંધાયા છે.રવિવારે 109 લોકોને ડિસ્ચાર્જ અપાયો હતો. સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 25.154 પર પહોંચી ગઇ હતી. હાલમાં પાલિકાના રિપોર્ટ મુજબ 53ને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. હાલમાં 2,212 લોકો હોમ ક્વોરન્ટાઇન છે.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
રાજ્યમાં કોરોના બેકાબૂ થયો છે. સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1580 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 7 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. આજે રાજ્યમાં 989 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,75,238 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.90 ટકા પર પહોંચ્યો છે. હાલ 7321 એક્ટિવ કેસ છે, જેમાંથી 71 લોકો વેન્ટિલેટર પર અને 7250 લોકો સ્ટેબલ છે.